ભરૂચ,
ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલી “નો ડ્રગ્સ ઇન ભરૂચ” ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં વાગરા તાલુકાના કલમ ગામમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ૧ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.આ કાર્યવાહીમાં કુલ ૨૦,૯૧૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી નશાનો કાળો કારોબાર ચલાવનારા તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ વાગરા પોલીસ સ્ટેશનના પી.આઈ એસ.ડી ફૂલતરિયાનાઓએ નશાયુક્ત પદાર્થોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે એક વિશેષ ટીમનું ગઠન કર્યું હતું. આ ટીમને પેટ્રોલિંગ અને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે કલમ ગામની નવીનગરીમાં રહેતો સાજીદ મહંમદ સણવી નામનો ઈસમ તેના ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડીને તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. આ માહિતી મળતાં જ પોલીસ ટીમ સક્રિય બની હતી. વાગરા પી.આઈ એસ.ડી ફૂલતરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખીને સાજીદના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો.આકસ્મિક દરોડાથી સ્તબ્ધ થયેલા આરોપીના ઘરની તલાશી લેતાં પોલીસને અંદર છુપાવેલો ગેરકાયદેસર નશાકારક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જ ૧ કિલો ૩૪૧ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. વધુ તપાસમાં બહાર આવ્યું કે આરોપી આ ગાંજાને નાની નાની પડીકીઓમાં ભરીને સ્થાનિક યુવાનોને વેચી રહ્યો હતો.
આ ઓપરેશન દરમ્યાન પોલીસે આરોપી સાજીદ મહંમદ સણવીની ધરપકડ કરી હતી. ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે તેની પાસેથી ગાંજાનું વજન કરવા માટેનો વજન કાંટો, મોબાઈલ ફોન અને રોકડ પણ જપ્ત કરી હતી. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ૨૦,૯૧૦ થાય છે. વાગરા પોલીસ સ્ટેશનના ઈતિહાસમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ નોંધાયેલો આ પ્રથમ ગુનો છે, જે પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીની ગંભીરતા દર્શાવે છે. આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ આમોદના પી.આઈ આર.બી.કરમટીયાને સોંપવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનો કાળો કારોબાર ચલાવતા તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.




