ભરૂચ,
– દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તાનું ચેકીંગ હાથ ધરાયું
જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ધારાસભ્ય ડી કે સ્વામીએ અચાનક મુલાકાત લઈ દર્દીઓને આપવામાં આવતા ભોજનનું ચેકીંગ કરવા સહિત અન્ય બાબતોનું પણ ચેકીંગ હાથધર્યું હતું.
ભરૂચ જીલ્લાની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ધારાસભ્ય ડી કે સ્વામીએ અચાનક મુલાકાત લીધી હતી.આ મુલાકાતનો હેતુ હોસ્પિટલની વ્યવસ્થા અને દર્દીઓને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો હતો.આ મુલાકાત દરમ્યાન ધારાસભ્યએ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાનું જાતે ચેકિંગ હાથ ધરવા સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે વાતચીત કરીને તેમને મળતી સારવાર અને અન્ય સુવિધાઓ અંગે અભિપ્રાય પણ લીધા હતા.દર્દીઓએ હોસ્પિટલની સેવાઓ ખૂબ સારી હોવાનું જણાવ્યું હતું.
ધારાસભ્ય ડી કે સ્વામીએ માત્ર ભોજન અને સારવાર જ નહીં પરંતુ હોસ્પિટલની અન્ય વ્યવસ્થાઓ પર પણ ધ્યાન આપ્યું હતું.તેમણે ડોક્ટરોના હાજરી પત્રક તપાસ્યા હતા.તેમજ હોસ્પિટલ પરિસરમાં સાફ-સફાઈનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતથી સ્પષ્ટ થયું હતું કે ધારાસભ્ય દર્દીઓના સ્વાસ્થ્ય અને હોસ્પિટલની વ્યવસ્થા અંગે ગંભીર છે. ધારાસભ્યએ લીધેલી આ મુલાકાતનો મુખ્ય હેતુ સુનિશ્ચિત કરવાનો હતો કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર સમયસર સારવાર મળી રહે છે કે નહીં. આવા અચાનક નિરીક્ષણથી હોસ્પિટલના સ્ટાફ પર પણ દબાણ રહે છે અને સેવાઓની ગુણવત્તા જળવાઈ રહે છે.





