ભરૂચ,
અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ભરૂચ જીલ્લા દ્વારા જિલ્લામાં સૌ પ્રથમવાર ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જે આગામી ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરી બીજા દિવસે ૧૧ મી ના રોજ જંબુસરના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચી રુદ્ર અભિષેક કરવામાં આવશે.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તો દ્વારા ભક્તિ સાથે શિવ આરાધનામાં લીન બન્યા છે.ત્યારે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ભરૂચ જીલ્લા દ્વારા જિલ્લામાં સૌ પ્રથમવાર ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટેલ ભરૂચ ખાતે હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયાના અધ્યક્ષપદે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
તેઓ એ માહિતી આપતા જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા કરવામાં આવેલ સંકલ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે જેમાં આગામી ૭ ઓગસ્ટના રોજ ઝાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ ખાતેથી નર્મદા નદીનું જળ ભરી મહાદેવને અભિષેક કરી કાવડને ભરૂચના ડભોઈયાવાડ ખાતે આવેલ પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવશે.જે બાદ આગામી ૧૦મી ઓગસ્ટના રોજ સવારે થશે.આ કાવડ યાત્રામાં ૧૦૮ થી વધુ કાવડયાત્રીઓ જોડાશે જેઓને રિફ્લેક્ટર વાળા જેકેટ સહિત હાથમાં રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવશે સાથે કાવડ યાત્રીઓ માટે દવા,એમ્બ્યુલન્સ તેમજ ફળ ફળાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે યાત્રામાર્ગમાં કાવડો ને અડચણ ન પડે તે માટે ૨૪ સ્વયંસેવકોની ટીમ સેવાકાર્ય માટે તૈનાત રહેશે.
યાત્રા દરમ્યાન ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવનાર છે.આ યાત્રા જંબુસર ખાતે આવેલ સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે ૧૧ મી ઓગષ્ટના રોજ સવારે પગપાળા કરી કાવડયાત્રીઓ કાવી કંબોઈના શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવજીને રુદ્ર અભિષેક કરી દર્શન સાથે પૂજા અર્ચના કરવામાં આવશે.યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ, સંસ્કૃતિ સાથે જોડાણ તથા શાંતિ, એકતા અને ભક્તિભાવનો સંદેશ પ્રસારિત કરવો છે.
આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ સુધીરસિંહ અટોદરિયા, ઝીણાભાઈ ભરવાડ,વિરલ ગોહિલ,જીતુ રાણા અને રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.




