પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા ગામમાં બે યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ – પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે.

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

પંચમહાલ,

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા ગામમાં બે યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનામાં શહેરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો અનુસાર, શહેરા તાલુકાના મીઠાપુરના બે યુવકો – રયજીભાઇ ઉર્ફે રયલો પુનાભાઈ નાયક અને પિન્ટુ ભલાભાઈ નાયક, તાડવા ગામની બે યુવતીઓ સાથે પ્રેમસંબંધ ધરાવતા હતા. તેઓ યુવતીઓને લઈને મહેમદાવાદ ખાતે મજૂરી અર્થે ભાગી ગયા હતા.

યુવતીઓના પરિવારજનો ઇકો ગાડી લઈને મહેમદાવાદ પહોંચ્યા હતા. ત્યાંથી બંને યુવકો અને યુવતીઓને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી તાડવા ગામે લાવ્યા હતા. ત્યાં બંને યુવકોને આમલીના ઝાડ સાથે બાંધીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડિયોમાં યુવકો ખોડિયારના સોગંદ ખાતા સંભળાય છે. વળી, શ્રાવણ મહિના અને દશામાના વ્રતનો ઉલ્લેખ પણ સંભળાય છે. કેટલાક લોકો “દશામાના વ્રત કહેવાય, આટલું ના મારશો” તેવું કહેતા પણ સંભળાય છે.

વાયરલ વિડિયોના આધારે પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

શહેરા પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા 2023 ની 98(મ)  127(2), 137(2), 189(2), 190, 191(3), 115(2), 352, 351 (2) કલમ 135 મુજબ ગુનો નોંધ્યો હતો.

પોલીસે ગણતરીના કલાકોમાં જ કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં અર્જુનભાઈ ગોરાભાઈ નાયક, ઈશ્વરભાઈ છગનભાઈ નાયક, મહેશભાઇ દેવાભાઇ નાયક, રાકેશભાઇ રમણભાઇ નાયક, લાલાભાઈ ખાતુંભાઈ નાયક, દેવાભાઈ બુધાભાઈ નાયક, નાનાભાઈ કનુંભાઈ નાયક, નરેશભાઈ કનુંભાઈ નાયક, રમણભાઈ વાડીલાલ નાયક અને રાજેશભાઈ પ્રતાપભાઈ નાયકનો સમાવેશ થાય છે.

પોલીસે ઘટનામાં વપરાયેલ ઇકો ગાડી (GJ-23 BL 3150) પણ કબજે કરી છે. આ કામગીરી શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.એલ. કામોળ અને તેમની ટીમે પાર પાડી હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : કિરણકુમાર કેશુભાઈ કોન્ટ્રાક્ટર – કાલોલ, જીલ્લા પંચમહાલ

Screenshot

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!