કાલોલ,
કાલોલ નગરપાલિકાની સામાન્ય સભા આજે ૩૧.૦૭.૨૦૨૫ ના ગુરુવારના રોજ પ્રમુખ હસમુખભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને મળવાની હતી જે કોરમ ન થવાને કારણે મુલતવી રખાઈ હતી. કાલોલ નગરપાલિકામાં કુલ ૨૮ સભ્યો છે જેમાં ૧૭ ભાજપના ચૂંટાયેલા સભ્યો છે જ્યારે બાકીના ૧૧ અપક્ષો છે. ખૂબ જ શિસ્ત બદ્ધ પાર્ટી ભાજપાની બહુમતી હોવા છતાં પણ આજે ફોરમ ન થવાને કારણે સભા મુલતવી રખાઈ હતી જેના કારણે નગરપાલિકા સભ્યોનો ખુલીને અસંતોષ બહાર આવ્યો હતો. આ બેઠકમાં ૧૭ સભ્યો માંથી ફક્ત સાત સભ્યો જ હાજર રહ્યા હતા જ્યારે એક સભ્ય બહારગામ હોય આવી શક્યા નહોતા, આમ ભાજપાની બહુમતી વાળી નગરપાલિકા કાલોલમાં ઉકળતો ચરું જોવા મળ્યો હતો. ગેરહાજર સભ્યોનો ખૂલીને વિરોધ જોવા મળ્યો હતો જે આજે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. નગરના લોકોની ચર્ચા મુજબ વિકાસના કામો અટકી ગયા છે, ઠેર ઠેર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે, રોડ રસ્તા તૂટેલા છે, પાણીના ખાબોચિયા ભરાયેલા છે, હમણાં જ કસ્બા વિસ્તારમાં કમળાનું વાવર ફાટ્યો હતો નગરના દવાખાનાઓ દર્દીથી ઉભરાઈ રહ્યા છે, નગરપાલિકા દ્વારા કોઈ કાર્ય પાર પડાતું ન હોય તેમ નગરના લોકોની ચર્ચા છે.
નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈના જણાવ્યા અનુસાર તારીખ ૩૧.૦૭.૨૦૨૫ ના રોજ સામાન્ય સભા હતી દરેક ૨૮ સભ્યોને એજન્ડા પહોંચી ગયો હતો એમાંથી ફક્ત સાત જ સભ્યો હાજર રહ્યા હતા, એક સભ્ય બહારગામ હોય રજા રિપોર્ટ આવ્યો હતો. નગરપાલિકા પ્રમુખને સભ્યોના અસંતોષ વિષે પૂછવામાં આવતાં તેમને જણાવ્યું હતું કે આવી કોઈ મને જાણ નથી, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય સભા પહેલા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં એમ.એલ.એ. સંગઠનના હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો હાજર રહી સામાન્ય સભાના એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. આગામી મીટીંગ ૨૧ ઑગસ્ટે મળશે જેની એજન્ડા દ્વારા દરેક સભ્યોને જાણ કરવામાં આવશે.
કાલોલ નગરપાલિકામાં શહેરાના ચીફ ઓફિસર ચાર્જમાં હોય તેમને જણાવ્યું હતું કે આગામી ૨૧.૦૮.૨૦૨૫ ના રોજ આગામી મિટિંગ મળશે આ મિટિંગનો એજન્ડા નગરપાલિકાના નોટિસ બોર્ડ ઉપર અને દરેક સભ્યોને બજાવવામાં આવશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર – રમેશકુમાર કેશવભાઈ કોન્ટ્રાક્ટર કાલોલ, જીલ્લો પંચમહાલ
