ગુજરાત સરકારે વિદ્યા સહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે રદ કરવાની ફરજ પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે.
હકીકતમાં, શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવા શિક્ષકોની બદલે ધોરણ ૧ થી ૧૨ માં ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની ૧૧ માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જૂના નિયમમાં સરકારે પોતાનો પક્ષ રજુ કરતા જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો.
જોકે, આ નિર્ણયનો વિરોધ થયા બાદ સરકારને પોતાનો નિર્ણય પાછો લેવો પડ્યો છે. એકબાજું જ્યાં લાખોની સંખ્યામાં ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું નવી ભરતીઓ ના થતાં રોળાય છે, ત્યાં બીજી બાજું ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાના આ મનસ્વી નિર્ણયનો ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.





