ઝઘડીયા, ભરૂચ
ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી દિપડાઓ નજરે પડતા હોઇ લોકો ભયભીત બન્યા છે. પહેલા તો દિપડાઓ સીમમાં કે વગડામાં નજરે પડતા હતા,પરંતું હવે તો માનવ વસતિ ધરાવતા રહેણાંક વિસ્તારોમાં પણ દિપડાઓની હાજરી જોવા મળતા લોકોમાં ડર ફેલાયો છે.ત્યારે હાલ તાલુકાના તલોદરા ગામે અગ્રણી દિનેશભાઈ વસાવાના ફાર્મ હાઉસ ખાતે આવી ચઢેલ દિપડાએ ફાર્મમાં રહેલ એક પાલતુ શ્વાન પર હુમલો કરી તેનો શિકાર કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, તલોદરા ગામે દિનેશભાઈ વસાવાના ફાર્મ હાઉસમાં રાત્રીના સમયે દિપડો ઘૂસી આવ્યો હતો અને આ દિપડાએ ત્યાં રહેલા એક પાલતુ શ્વાન પર હુમલો કરીને તેને ફાડી ખાધો હતો. આ ઘટના સવારે નજરે પડતા ફાર્મ હાઉસના માલિક સહિત સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી, તેમજ દિપડા દ્વારા કુતરાનું મારણ કરવાની ઘટનાને પગલે આસપાસના ગામોએ પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છેકે તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાની અવરજવર વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે ઝઘડિયા તાલુકામાં શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે, શેરડીના ખેતરો દિપડાઓને રહેવા માટે આશ્રય સ્થાન ગણાય છે. શેરડીની કાપણી થવાના સમય દરમિયાન દિપડાઓ બહાર નીકળીને માનવ રહેણાંક વાળા વિસ્તારોમાં પણ પહોંચી જતા હોય છે. વનવિભાગ દિપડાની હાજરી જણાતા સ્થળોએ પાંજરા ગોઠવીને દિપડાને ઝડપી લે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)