ભરૂચ,
ભરૂચ શહેરમાં નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીના બિસ્માર માર્ગો, વધતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણા અને ચક્કાજામ કાર્યક્રમ યોજાયો હતો. જોકે તંત્રની કોઈ પણ પ્રકારની પરવાનગી નહી લીધી હોય અને પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ અવરોધી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા પોલીસે હસ્તક્ષેપ કરી અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.
કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીનો માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે. ખાસ કરીને સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તાર પાસે ખાડાઓ, ટ્રાફિકની સમસ્યા અને વરસાદી પાણીના નિકાલના અભાવે વાહનચાલકો તથા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં સંબંધિત તંત્ર અને જી.એસ.આર.ડી.સી. દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,મહિલા શહેર પ્રમુખ હુસૈના દિવાન,પૂર્વ વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, ઝુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, અબ્દુલ કામઠી સહિતના આગેવાનોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા.કાર્યકરોએ માર્ગ સમારકામ, આર.સી.સી. રોડના નિર્માણ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
જોકે કોંગ્રેસ સમિતિએ તંત્ર પાસે પરવાનગી માંગી હોવા છતા તેમને પરવાનગી નહી આપવામાં આવી હોવા છતાંય તેમણે કાર્યક્રમ કર્યો હતો. જેમાં પ્રદર્શન દરમિયાન સર્જાયેલી ટ્રાફિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી અને ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ચેતવણી બાદ જી.એસ.આર.ડી.સી. વિભાગ દ્વારા રાતો રાત ડામર પાથરી દેવામાં આવ્યો હતો. જોકે કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક ધોરણે માર્ગોની યોગ્ય મરામત, ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ અને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

