આમોદમાં સરકારી આવાસો ઉપર બુલડોઝર ફેરવનારના જામીન નામંજૂર કરતી કોર્ટ : આમોદ પોલીસે વધુ એક કલમનો ઉમેરો કરતા આરોપોની મુશ્કેલી વધી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

આમોદમાં ગત ૬ મે ના રોજ ખાનગી વ્યક્તિ દ્વારા માંડવા ફળિયામાં આવેલા ૩૦ જેટલા સરકારી સરદાર પટેલ આવાસો ઉપર દાદાગીરી કરી કાયદાનો ડર રાખ્યા વગર બુલડોઝર ફેરવી મકાનો જમીનદોસ્ત કરી દીધા હતા.જેથી માંડવા ફળીયામા રહેતા ગરીબો ઘર વિહોણા બન્યા હતા.ત્યાર બાદ મકાન માલિકોને તેમના ઘરના પુરાવા મળતા આમોદ પોલીસ મથકે બસીરભાઈ અલીભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બશીરભાઈ અલીભાઈ પટેલ તેમજ અને જેસીબીના ડ્રાઈવર તૌસિફની ૩ જૂન ધરપકડ કરી હતી અને આમોદ કોર્ટમ રજૂ કરતા કોર્ટે તેમના જામીન નામંજૂર કરાતા બંનેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા તેમજ પોલીસે વધુ એક કલમનો ઉમેરો કરતા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો.

આમોદમાં આવેલા માંડવા ફળિયામાં આશરે ૨૨ વર્ષથી રહેતા ગરીબોના મકાનો ઉપર બસીર અલીભાઈ પટેલ નામના વ્યક્તિએ ૬ મે ૨૦૨૬ ના રોજ અચાનક જેસીબી લાવી ગરીબોના ૩૦ જેટલા મકાનો ઉપર જેસીબી ફેરવી મકાનો જમીનદોસ્ત કરી દીઘા હતા જેથી ગરીબોએ કાળઝાળ ગરમીમાં વિહોણા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ત્યારબાદ સમગ્ર ઘટનામાં મકાન માલિકોએ ચોક્કસ પુરાવા એકત્રિત કરી આમોદ પોલીસ મથકે બશીર અલીભાઈ પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બસીરભાઈ અલીભાઈ પટેલ તેમજ જેસીબીના ડ્રાઈવર તૌસિફની ધરપકડ કરી આરોપીઓ સામે વધુ એક કલમનો ઉમેરો કર્યો હતો.ત્યાર બાદ પોલીસે બંને આરોપીઓને આમોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના જામીન નામંજૂર કર્યા હતા જેથી તેમને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

સરકારી વહીવટી તંત્રની બેદરકારીથી સરદાર આવાસના લાભાર્થીઓ અને જમીન માલિકો વચ્ચે કાયદાકીય સંઘર્ષ.

આમોદના માંડવા ફળિયામાં સરદાર પટેલ આવાસ યોજના હેઠળ ૨૨ વર્ષ પહેલાં નિર્માણ પામેલા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવાની ઘટનામાં આમોદ પોલીસે મુખ્ય આરોપી બશીરભાઈ અલીભાઈ પટેલ તથા જેસીબી ડ્રાઈવર તૌસિફની ધરપકડ કરી છે. જોકે સમગ્ર ઘટનામાં હવે માત્ર આરોપીઓ જ નહીં પરંતુ સરકારી તંત્રની કામગીરી અને વર્ષોથી ચાલતી વહીવટી પ્રક્રિયા પણ શંકાના દાયરામાં આવી છે.

ફરિયાદી મેલાભાઈ રમણભાઈ દેવીપૂજકના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૩-૦૪ દરમિયાન સરદાર પટેલ આવાસ યોજના અંતર્ગત આશરે ૩૦ ગરીબ પરિવારો માટે ૧૦૦ ચોરસ વારના પ્લોટ પર મકાનો બાંધવામાં આવ્યા હતા. દરેક આવાસ પાછળ રૂ.૩૬૦૦૦ ની સરકારી ગ્રાન્ટ તથા રૂ. ૭૦૦૦ નો શ્રમફાળો મળીને કુલ રૂ.૪૩૦૦૦ નો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમ ૬ મે ૨૦૨૬ ના રોજ બશીરભાઈ પટેલ નામના ખાનગી વ્યક્તિએ ૩૦ જેટલા આવાસો ઉપર જેસીબી ફેરવી સરકારી આવાસો જમીનદોસ્ત કરી નાખ્યા હતા, જેના કારણે રૂ.૧૨.૯૦ લાખનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું અને અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા.ત્યારે ચોંકાવનારી વિગતો મળી હતી કે જે જમીન પર સરકારી યોજના હેઠળ આવાસો બાંધવામાં આવ્યા હતા, તે જમીન અંગેના રેવન્યુ રેકોર્ડની તપાસ કરતા રેવન્યુ સર્વે નંબર ૩૩૫ ની જમીન મૂળ ખેડૂત પરિવારની માલિકીની હોવાનું નોંધાયેલ છે. બીજી તરફ વર્ષ ૨૦૦૩-૦૪ દરમિયાન આ જ સ્થળે સરકારી યોજના હેઠળ આવાસો ઉભા કરવામાં આવ્યા હોવા છતાં જમીન હસ્તાંતરણ,વેચાણ, બક્ષિસ અથવા સરકારી કબજાની કોઈ સ્પષ્ટ નોંધ રેવન્યુ રેકોર્ડમાં જોવા મળતી નથી. આથી હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો જમીન ખાનગી માલિકીની હતી તો સરકારી યોજના હેઠળ ત્યાં આવાસો કેવી રીતે મંજૂર થયા? અને જો આવાસો કાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા તો જમીન ઉપર નોંધ કેમ કરવામાં આવી નથી? જેથી સરકારી વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ બીજી એપ્રિલ ૨૦૨૬ ના રોજ જમીન માલિકોના વારસદારોએ બશીરભાઈ પટેલને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નિયમિત વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. દસ્તાવેજમાં જમીન પર કોઈ વિવાદ કે કબજાનો પ્રશ્ન ન હોવાનું દર્શાવવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

સમગ્ર ઘટનામાં હવે ત્રણ મહત્વના મુદ્દાઓ સામે આવ્યા છે. પ્રથમ તો ગરીબ લાભાર્થીઓના આવાસો તોડી પાડવામાં આવ્યા અને તેમને ઘરવિહોણા કરવામાં આવ્યા જેનાથી સરદાર આવાસના લાભાર્થીઓ ખુલ્લા આકાશમાં બળબળતા બપોરમાં રહેવા મજબૂર બન્યા.જ્યારે બીજી બાજુ જમીન ખરીદનાર વ્યક્તિ બશીરભાઈ પટેલ તેમજ જેસીબી ફેરવનાર ડ્રાઈવર સામે કાયદાકીય કાર્યવાહી થઈ જેમાં બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા અને હવે ત્રીજુ ૨૨ વર્ષ પહેલાં યોજનાના અમલીકરણ દરમિયાન કોઈ વહીવટી અથવા રેવન્યુ સ્તરે ગંભીર બેદરકારી થઈ હતી કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે.

રેવન્યુ રેકોર્ડ મુજબ જમીનની માલિકી ધરાવનાર પક્ષનો દાવો છે કે તેઓએ કાયદેસર દસ્તાવેજના આધારે જમીનનું વેચાણ કર્યું હતું. પરિણામે હવે એક તરફ ગરીબ પરિવારો ઘરવિહોણા બન્યા છે તો બીજી તરફ જમીન ખરીદનાર અને સંબંધિત પક્ષો કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.

આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ, રેવન્યુ તપાસ અને સંભવિત ન્યાયિક પ્રક્રિયા દરમિયાન અનેક મહત્વની હકીકતો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે પણ ચર્ચા ચાલી રહી છે કે આ માત્ર જમીન વિવાદ નથી, પરંતુ સરકારી યોજના, જમીન રેકોર્ડ અને વહીવટી પ્રક્રિયાઓ સાથે જોડાયેલું સંભવિત મોટું વહીવટી કૌભાંડ હોઈ શકે છે. હવે પોલીસ તંત્ર વહીવટી ખામી દર્શાવનાર અમલદારો કે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સામે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!