ભરૂચ,
ભરૂચ જિલ્લામાં જાહેર જગ્યાઓમાં લાઉડસ્પીકર પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના અનિયંત્રીત ઉપયોગથી ધ્વનિ પ્રદુષણ થાય છે. જેની નાગરીકોનાં આરોગ્ય ઉપર વિપરીત અસર થાય છે. તેમજ ધ્વનિ પ્રદુષણનાં લીધે નાગરીકોનાં કામમાં તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણ ઉભી થાય છે અને ઉપરોકત સાધનોના અનિયંત્રિત ઉપયોગથી સુલેહભંગ તેમજ સાંપ્રદાયિક/ કોમી હિંસાના બનાવો બને છે. આથી રહેણાંક વિસ્તાર તથા અવર-જવર કરનારાઓને હરકત/ અગવડ ત્રાસ જોખમ, ભય નુક્શાન થતું અટકાવવા સારૂ જાહેર જગ્યાઓમાં લાઉડ સ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના અનિયંત્રિત ઉપયોગ ઉપર મનાઈ ફરમાવતુ જાહેરનામું બહાર પાડ્યું છે.
હુકમ —
ઇ.ચા.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ સને ૧૯૫૧ ના મુંબઈ પોલીસ (સને ૧૯૫૧ ના ૨૨ માં)અધિનિયમની કલમ-૩૩ ની પેટા કલમ-૧ ના પેટા ક્લોઝ (એન) અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબ પ્રતિબંધાત્મક આદેશ ફરમાવ્યો છે.
૧) ડી.જે./ લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનાં સાધનો બનાવનાર / વેચનાર/ખરીદનાર/ ભાડે આપનાર/ ભાડે લેનાર વ્યક્તિ સંસ્થાઓએ આ કામ કરતા પોતાના કર્મચારીઓ તથા કાર્યક્રમ અંગેની જે તે વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ વિગતો સાથેની માહિતી વખતો વખત આપવાની રહેશે.
૨) આ રીતે ડી.જે./ લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે નામદાર સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો ઘોંઘાટ ઉત્પન્ન કરતા અને નીપજાવતા સ્ત્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ-૬ તથા કલમ-૨૫ હેઠળ ધ્વનિ પ્રદૂષણ(નિયમન અને નિયંત્રણ) નિયમ, ૨૦૦૦ સંદર્ભ-ર તારીખ- ૧૪/૦૨/૨૦૦૦ ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે, જેમા તારીખ ૧૧/૦૧/૨૦૨૧ ના રોજ આ નિયમમાં સુધારો કરવામાં આવેલ છે. જે પ્રમાણે ધ્વનિ પ્રદૂષણ નિયમો ૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણ નીચે મુજબ નકકી કરવામાં આવેલ રજીસ્ટર પણ નિભાવવાનું રહેશે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૩) જાહેર સ્થળોની વ્યાખ્યા નક્કી કરાયેલ છે અને જાહેર સ્થળનો કબજો ધરાવનાર ધ્વારા લાઉડસ્પીકર સિસ્ટમનું તથા અન્ય સાધનોથી ઉત્પન થતા અવાજની માત્રા જે તે વિસ્તારની નિયત માત્રા કરતા વધવી ન જોઈએ, જે અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
(૪) ઉપર મુજબ ખાનગી સ્થળે થતી કાર્યવાહીના કારણે જે તે વિસ્તારની નિયત માત્રા કરતા ધ્વનિની માત્રા વધવી ન જોઈએ.
(૫) કોઈ ઓડીટોરીયમ કોન્ફરન્સ હોલ કોમ્યુનિટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળો વિગેરેમાં માઈક સિસ્ટમ અંદરના ભાગે વગાડવા ઉપર કોઈ પ્રતિબંધ નથી પરંતુ તેનો અવાજ જે-તે સ્થળેથી બહાર જવો જોઈએ નહી.
(૬) ધાર્મિક સ્થળોમાં ૦૬:૦૦ કલાકથી ૨૧:૦૦ કલાક સુધી વગર પરવાનગીએ લાઉડ સ્પીકર વાંજિત્રો/ પબ્લીક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે પરંતુ તેનો અવાજ એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઈએ કે સંકુલની હદની બહાર જવો ન જોઈએ.
(૭) લગ્નના વરઘોડા કે અન્ય કોઈ કાર્યક્રમમાં ૦૬:૦૦ કલાકથી ૨૨:૦૦ કલાક દરમ્યાન લાઉન્ડ સ્પીકર અથવા ડી.જે. સિસ્ટમનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી લઈને કરી શકાશે.
વિસ્તાર — ભરૂચ જિલ્લાનો સમગ્ર વિસ્તાર_
શિક્ષા:-
હુકમના ભંગ બદલ ધ્વનિ પ્રદુષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) નિયમ-૨૦૦૦ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ-૨૯૨ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ ઉપરોક્ત માલિક, ભાગીદાર, મેનેજર, સંચાલકની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ આ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ ઇ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું હતું.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)