ભરૂચ,
ભરૂચ જિલ્લાના માંચ ગામે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઘર પાસે સફાઈ કરવા બાબતે થયેલા બોલાચાલીના બનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ચાર શખ્સોએ એક જ પરિવાર પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ અનુસાર, ફરિયાદી તથા તેમના પરિવારજનો પોતાના ઘરની બહાર સફાઈ કરી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા ચાર વ્યક્તિઓએ આવી અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં આરોપીઓ મુનાફ ઇબ્રાહિમ હાથિયા, આદમ ઇબ્રાહિમ હાથિયા, ઇબ્રાહિમ મુસા હાથિયા અને અજીમા મુનાફ હાથિયા નોઆએ ભેગા મળી લાકડાના ડંડા અને હાથ વડે હુમલો કરી ફરિયાદી, તેમની પત્ની તેમજ અન્ય પરિવારજનોને ઈજાઓ પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મારામારી દરમિયાન ફરિયાદીને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાનું અને પરિવારના અન્ય સભ્યોને પણ માર મારવામાં આવ્યો હોવાનું નોંધાયું છે.
જોકે ફરિયાદીનો આક્ષેપ છે કે માથામાં ગંભીર ઈજા અને તબીબી સારવારના પુરાવા હોવા છતાં પોલીસે ગુનામાં ગંભીર ઈજાને અનુરૂપ યોગ્ય અને કડક કલમોનો સમાવેશ કર્યો નથી. જેના કારણે આરોપીઓ સામે પૂરતી કાયદેસરની કાર્યવાહી થતી ન હોવાનું ફરિયાદીનું કહેવું છે.
ફરિયાદીએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી ગુનામાં ગંભીર ઈજાને અનુરૂપ કલમો ઉમેરવા અને મુનાફ ઇબ્રાહિમ હાથિયા, આદમ ઇબ્રાહિમ હાથિયા, ઇબ્રાહિમ મુસા હાથિયા તથા અજીમા મુનાફ હાથિયા સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
