જંબુસરમાં ખાતરની અછત બાદ તંત્ર એક્શનમાં : જંબુસર માટે વડોદરાના રણોલી થી ખાતર મોકલવાની તૈયારી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

જંબુસર, ભરૂચ

ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળવાને કારણે લાંબી લાઈનો લાગી હોવાના અહેવાલો બાદ આખરે વહીવટી તંત્ર દોડતું થયું છે. ખાતરની અછતની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ભરૂચના નાયબ ખેતી નિયામકે સ્થિતિ સ્પષ્ટ કરી છે અને જંબુસર માટે વડોદરાના રણોલી થી ખાતર મોકલવાની તૈયારી કરી હોવાનું જણાવ્યું છે.

બે દિવસ પૂર્વે જંબુસર ખાતે ખેડૂતોને યુરિયા ન મળવાના કારણે લાઈનો પડી હતી અને જે ઘટના બની હતી, તે અંગે નાયબ ખેતી નિયામક પી.એસ.ટાંકે જણાવ્યું હતું કે જંબુસર ખાતે યુરિયા ખાતર ન મળવા અંગે જે ઘટના બની, ત્યારબાદ સ્થાનિક રાજકીય અગ્રણીઓના પણ ફોન આવ્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં આપવામાં આવ્યું છે કે સ્ટોક હોવા છતાં ખેડૂતોને યુરિયા કેમ નથી આપવામાં આવી રહ્યું?

​ ત્યારે હકીકત સ્પષ્ટ કરી દઉં કે જે સ્ટોક ઉપલબ્ધ છે તે ગવર્મેન્ટ બફર સ્ટોક છે. સમગ્ર જિલ્લામાં હાલ ૨,૮૮૦ મેટ્રિક ટન જેટલો સરકારી સ્ટોક છે. આ સ્ટોક સામાન્ય રીતે વાવેતર બાદ અથવા જ્યારે ખેડૂતોનો પાક ઊભો હોય અને યુરિયા ન મળવાને કારણે પાક સુકાઈ જવાની ભીતિ હોય તેવી કટોકટીની સ્થિતિમાં જ રિલીઝ કરવામાં આવતો હોય છે. હાલ હજુ કોઈ વાવેતર થયું નથી, પરંતુ ખેડૂતોમાં એક ડર છે કે આગામી સમયમાં કદાચ યુરિયા નહીં મળે, તેથી તેઓ અગાઉથી ખરીદી કરીને સ્ટોરેજ કરી રહ્યા છે.

“જંબુસરને જોડતા માર્ગ પર આમોદથી આગળ જતાં ઢાઢર નદીનો બ્રિજ આવે છે, જ્યાં હાલ ભારે વાહનો માટે પ્રતિબંધ છે. આ બ્રિજ બંધ હોવાને કારણે કંપનીઓના ટ્રાન્સપોર્ટરો વાયા બરોડા-પાદરા થઈને લાંબા અંતરે સપ્લાય કરવા માટે તૈયાર નહોતા, કારણ કે તે તેમના કોસ્ટિંગમાં બેસતું નહોતું. આ જ કારણે જંબુસરમાં પૂરતા પ્રમાણમાં રિટેલ સપ્લાય થઈ શકી નહોતી.

​આ સમસ્યાના ઉકેલ માટે જિલ્લા કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ અમે એક વૈકલ્પિક વ્યવસ્થા વિચારી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ એલોકેશનમાંથી જંબુસરનું એલોકેશન બાદ કરીને, તે ખાતર બરોડાના રણોલી રેક પોઈન્ટ પરથી સીધું જંબુસર ટ્રાન્સપોર્ટ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

​હાલમાં ઇફકો (IFFCO) કંપનીની ૫૦૦ મેટ્રિક ટન યુરિયાની રેક આવેલી છે, જેમાંથી આશરે ૧૦૦ મેટ્રિક ટન જેટલું યુરિયા હાલ જંબુસર ખાતે પહોંચાડવામાં આવી રહ્યું છે.

​આ ઉપરાંત, રણોલી રેક પોઈન્ટ પરથી ક્રીભકો (KRIBHCO) ની રેકમાંથી ૧૫૦ મેટ્રિક ટન તેમજ GNFC અને GSFC કંપનીઓ તરફથી ૫૦-૫૦ મેટ્રિક ટન યુરિયા ખાતર જંબુસરમાં સપ્લાય થાય તેવી સૂચના ખેતી આપવામાં આવી છે.

તંત્રના જણાવ્યા અનુસાર આગામી એકથી બે દિવસમાં જંબુસરમાં ખાતરની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ આવી જશે. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે ત્યારે આગામી સમય માં ખરેખર ખેડૂતોને રાહત થાય છે કે કેમ તે જોવું રહ્યું.

​ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (મકલિક, મુદ્રક, પ્રકાશક)

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!