ભરૂચ,
શહેરી વિસ્તારના નાના ધંધાર્થીઓ અને શેરી ફેરિયાઓ (સ્ટ્રીટ વેન્ડર્સ) આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બની શકે તેવા હેતુથી ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ભારત સરકારના જૂન-2026 સુધી યોજાનાર સ્પેશિયલ કેમ્પિયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ‘લોક કલ્યાણ મેળા’માં મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ તેમજ નગરપાલિકા અને બેંકિંગ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા,ઉપપ્રમુખ રચિતા મોદી, લીડ બેંકના મેનેજર, એલયુએલએમના મેનેજર કિન્નરી બારોટ સહિતનો સ્ટાફ અને મહાનુભાવોએ હાજર રહ્યા હતો. મહાનુભાવો અને ઉપસ્થિત આગેવાનો દ્વારા લાભાર્થીઓને યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન લીડ બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી ફેરિયાઓને પોતાના વ્યવસાયના વિકાસ માટે તબક્કાવાર ધિરાણ આપવામાં આવે છે.પ્રથમ તબક્કામાં લાભાર્થી ને ₹15,000 સુધીની લોન આપવામાં આવે છે ત્યારબાદ પ્રથમ લોનની નિયમિત અને સમયસર ભરપાઈ કરનાર લાભાર્થી ₹25,000 સુધીની બીજી લોન મેળવવા પાત્ર બને છે.બીજી લોનની સફળ ભરપાઈ બાદ ત્રીજા તબક્કામાં ₹50,000 સુધીની લોન આપવામાં આવે છે.
બેંક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સમયસર લોનની ચુકવણી કરનાર લાભાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષથી ક્રેડિટ કાર્ડ સુવિધાની પણ શરૂઆત કરવામાં આવી છે. આ કાર્ડ હેઠળ ₹10,000થી ₹30,000 સુધીની ક્રેડિટ મર્યાદા આપવામાં આવશે, જેમાં 30થી 45 દિવસ સુધી વ્યાજમુક્ત ઉપયોગની સુવિધા ઉપલબ્ધ રહેશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન ચાલનારા સ્પેશિયલ કેમ્પિયન અભિયાન અંતર્ગત વિવિધ બેંકો દ્વારા સ્થળ પર જ લોન મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
કાર્યક્રમના અંતે નગરપાલિકાના પદાધિકારીઓ અને બેંક સત્તાધીશો દ્વારા ભરૂચના તમામ નાના શેરી ફેરિયાઓને યોજનાનો લાભ લઈ પોતાના વ્યવસાયને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવા અપીલ કરવામાં આવી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
