નસવાડી, છોટાઉદેપુર
નસવાડી તાલુકામાં ગરીબોને મફતમાં વિતરણ કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવતું મીઠું સસ્તા અનાજની દુકાનદારો દ્વારા બેદરકારીપૂર્વક ફેંકી દેવાયું હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડી તાલુકામાં નર્મદા મુખ્ય કેનાલની બાજુમાં ટ્રેક્ટર ભરીને મોટી માત્રામાં મીઠાના થેલા ફેંકી દેવાયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ મીઠું ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફતમાં વિતરણ કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવતું હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ફેંકી દેવાયેલું મીઠું હજુ પણ વપરાશ માટે યોગ્ય હતું અને તેના પર દર્શાવેલી મુદત વર્ષ 2026ના નવમા મહિના સુધીની હતી. સમયમર્યાદા પૂર્ણ થયા પહેલા જ આ રીતે મીઠું ફેંકી દેવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
લોકોમાં ચર્ચા છે કે ગરીબોને મળવાપાત્ર અનાજ અને જરૂરી ચીજવસ્તુઓનો યોગ્ય રીતે વિતરણ થતો નથી અને કેટલીક જગ્યાએ ગેરરીતિઓ ચાલી રહી છે. ઘટના સામે આવ્યા બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહેશે કે મામલે જિલ્લા પુરવઠા વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને ગરીબોના હક્કનું મીઠું બગાડનારાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : બિલાલ ખત્રી, પાવી જેતપુર
