ઝઘડિયા, ભરૂચ
• મકાનનો દરવાજો તોડી રૂપિયા ૧.૪૮ લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા
• પરિવાર ઘરમાં સુતુ રહ્યું અને તસ્કરો તિજોરીમાં મુકેલ સોનાની ચેઇન અને રોકડા રૂપિયા ચોરી ગયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પાછલા કેટલાક સમયથી રાત્રીચોરો સક્રિય બન્યા હોઈ તાલુકામાં વિવિધ સ્થળોએ ચોરીની ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં ચાલુ પખવાડિયા દરમિયાન ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના ફિચવાડા ગામે રૂપિયા ૨૫ લાખ જેટલી માતબર રકમની મતા ચોરાઇ હતી.
ઝઘડિયા પોલીસ મથક વિસ્તારના બોરિદ્રા ગામે પણ રાત્રીચોરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. ચોરીની ઘટનાઓ ચાલુ રહેતી હોય એમ તા.૨૩ મીના રોજ તાલુકાના અછાલિયા ગામે ત્રાટકેલા તસ્કરો એક મકાનમાંથી સોનાની ચેઈન અને રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા ૧,૪૮,૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ઘટનાની વિગતો મુજબ ઉમલ્લા નજીકના અછાલિયા ગામે રમીલાબેન ગોપાલભાઈ વસાવા નામના વૃધ્ધા તેમના દિકરા અને પુત્રવધુ સાથે રહે છે.આ પરિવાર તા.૨૩ મીએ રાતના જમી પરવારીને ઘરમાં સુઈ ગયું હતું.રમીલાબેનનો પુત્ર દિપક ગરમી વધારે હોવાથી મકાનના ધાબા પર સુવા ગયો હતો. દિપક સવારે છ વાગ્યે ધાબા પરથી નીચે આવ્યો હતો ત્યારે ઘરના પાછળના દરવાજાનો નકુચો તુટેલો જણાયો હતો અને લોખંડના દરવાજાની ગ્રીલ પણ તોડી નાંખેલી હતી.આ વાતની જાણ તેણે પરિવારજનોને કરી હતી. એ લોકોએ ઘરમાં જઇને તપાસ કરતા ઘરમાં લોખંડની તિજોરી અને લાકડાના બે કબાટ ખુલ્લા દેખાયા હતા. કબાટોમાં તપાસ કરતા તેમાં મુકેલ સોનાની એક તોલા વજનની એક નંગ ચેઈન જેની કિંમત રૂપિયા ૧,૨૮,૩૦૦ તેમજ રોકડા રૂપિયા ૨૦,૦૦૦ જણાયા નહતા તેથી ઘરમાં ઘુસેલા અજાણ્યા તસ્કરો સોનાની ચેઇન તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૪૮,૩૦૦ નો મુદ્દામાલ ચોરી ગયા હોવાની ખાતરી થઈ હતી. ચોરીની આ ઘટના સંદર્ભે ચોરીનો ભોગ બનનાર મકાનમાલિક રમીલાબેન વસાવાએ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
