ભરૂચ,
– ભાજપ મોવડી મંડળ અને સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવા સાથે ફુલહાર કરાયા
ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટે જિલ્લા પંચાયતના સભા ભવન ખાતે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની પસંદગી માટે યોજાયેલી આ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું હતું.
આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ઝઘડીયા તાલુકાએ બાજી મારી હતી. રાજપારડી-24 બેઠક પરથી વિજેતા થયેલા ડિમ્પલ વિક્રમસિંહ રાજના નામ પર ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અજીત ચીમનભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. બંને ઉમેદવારોએ ગતરોજ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી.
નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભાજપના ડિમ્પલ વિક્રમસિંહ રાજના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના કુલ વિજેતા સભ્યો માંથી ભાજપના 26 સભ્યોએ હાથ ઊંચા કરી સમર્થન જાહેર કરતાં તેમને કુલ 26 મત મળ્યા હતા.
બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે નર્મદાબેન નરેશભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી હતી.જોકે તેમને માત્ર 5 મત મળ્યા હતા. પરિણામે બહુમતીના 26 મત સાથે ડિમ્પલ વિક્રમસિંહ રાજને આગામી અઢી વર્ષ માટે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
એ જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપના અજીત ચીમનભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી.ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. અજીત ચીમનભાઈ વસાવાને ભાજપના 26 સભ્યોના મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના અનિલભાઈ ભરતભાઈ વસાવાએ પણ દાવેદારી નોંધાવી હતી, પરંતુ તેમને માત્ર 5 મત મળ્યા હતા જેના પગલે અજીત ચીમનભાઈ વસાવાને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થતા જ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી નવા હોદ્દેદારોનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિત પક્ષના અગ્રણીઓ, કાર્યકરો અને નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)