ભરૂચ,
ભરૂચ શહેરમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોવા છતાં અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકીની સમસ્યા યથાવત્ રહેતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 1ના વિવિધ વિસ્તારોમાં યોગ્ય સાફ-સફાઈ નહીં થતી હોવાના આક્ષેપો સ્થાનિક પાલિકા સભ્ય દ્વારા કરવામાં આવ્યા છે, સાથે જ તેમણે વહેલી તકે કચરો ઉઠાવવાની કામગીરી તેમજ વરસાદી કાંસોની સફાઈ હાથ ધરવાની માંગ ઉઠાવી છે.
સ્થાનિક પાલિકા સભ્ય ઝુબેર પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાના ટેમ્પાઓ પણ અનિયમિત રીતે આવતા હોવાથી રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહમદનગર અને રહેમતનગર વિસ્તાર પાસે આવેલી વરસાદી કાંસોમાં કચરાના ઢગલા જમા થઈ ગયા હોવા છતાં પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કામગીરી કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે જો સમયસર વરસાદી પાણીની કાંસોની સફાઈ નહીં કરવામાં આવે તો પાણી ભરાવાની અને અન્ય ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે,પાલિકા દ્વારા નિયમીત રીતે ડોર ટુ ડોરની કામગીરી કરાવવામાં આવે છે સાથે સાફ સફાઈ કામગીરી પણ થાય છે.પરતુ અમુક વ્યક્તિઓ જાહેરમાં કચરો નાખીને જતા રહેતા હોય છે જેના કારણે સાફ સફાઈ કરાવી હોવા છતાંય કચરાના ઢગલા પુનઃ થઈ જાય છે. હાલમાં કાસ સફાઈની કામગીરી ચાલુ છે અને જે સ્થળોએ બાકી છે ત્યાં પણ કરી દેવામાં આવશે.સાથે જ લોકોને કચરો જાહેરમાં ન નાખવા અપીલ પણ કરી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
