ટંકારીયા, ભરૂચ
ભરૂચના ટંકારીયા સ્થિત નવનિર્મિત આંગણવાડી નંદઘરનો ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડીનું ઉદ્ઘાટન પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્યા ભાવનાબેન વસાવા તેમજ સીડીપીઓ પૂજાબેને સંયુક્ત રીબીન કાપી નંદઘરને ભૂલકાઓ માટે ખુલ્લુ મૂક્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર વર્ષથી આંગણવાડી નંદઘર એક ભાડાના મકાનમાં કાર્યરત હતું. આંગણવાડીના નિર્માણ કાર્યમાં ગ્રામ પંચાયતના સરપંચ મંગુભાઈ વસાવા તેમજ ડે સરપંચ સફવાન ભૂતાના અથાગ પ્રયત્નો દ્વારા આંગણવાડી બિલ્ડિંગ નિર્માણ પામી છે.
આંગણવાડીની કમ્પાઉન્ડ વૉલના નિર્માણ કાર્યમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટંકારીયા શાખા દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટંકારીયા શાખાના અધિકારીઓનો ગ્રામ પંચાયત ટંકારીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવનિર્મિત આંગણવાડી (નંદઘર) સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે. ભૂલકાઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આંગણવાડીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ત્યારે નંદઘરમાં ફરજ બજાવતા હફિઝા બેન દિવાન આભાર વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે ભાવુક બની ગયા હતા. ગ્રામ પંચાયતના ડે સરપંચ સફવાન ભૂતાએ આંગણવાડી નંદઘરમાં સહયોગ આપનાર નામી અનામી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટંકારીયા તાલુકા પંચાયતના સદસ્યા, પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠકના સદસ્ય, ભરૂચ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબુલ અભલી, પુર્વ તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ ટેલર, પુર્વ સરપંચ આરીફ પટેલ સહિત આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)





