ભરૂચ,
ભરૂચમાં શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરીમાં વ્યવસ્થાપક તરીકે ચૂંટાયેલા પાટીદાર સમાજના પ્રતિનિધિઓને સન્માનિત કરવા વિશેષ સમારોહનું આયોજન ઝાડેશ્વર સ્થિત પટેલની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દૂધધારા ડેરીના નવનિયુક્ત ચેરમેન ઘનશ્યામ પટેલનું સમાજના વડીલો તથા આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી, શાલ અર્પણ કરી અને સ્મૃતિચિહ્ન આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના સભ્યો, આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ હંમેશાં સહકાર, એકતા અને વિકાસના સિદ્ધાંતોને આધારે આગળ વધતો આવ્યો છે. દૂધધારા ડેરી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સમાજના પ્રતિનિધિ તરીકે ઘનશ્યામ પટેલની પસંદગી સમાજ માટે ગૌરવની બાબત છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમના નેતૃત્વમાં ડેરી વધુ પ્રગતિના શિખરો સર કરશે.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સુરેશ એલ. પટેલ તથા કમિટી વતી અન્ય સભ્યો દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.





