ભરૂચ,
વિજયા દશમી એટલે અસુર શક્તિ ઉપર વિજયનો દિવસ. આ જ દિવસ કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાનું પ્રતીક મનાતો હોવાથી દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન વિધિનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો, અશ્વ દળ, પોલીસ શ્વાન અને વાહનોનું પૂજન વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમિયાન એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે દશેરા પર્વે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ છે. જે હથિયારોનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થાય છે, તેની પૂજા કરીને પોલીસ જવાનોમાં નવી ઊર્જા, શક્તિ અને મનોબળનો સંચાર થાય છે. સાથે જ તેમણે જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અખંડિત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. નવરાત્રી પૂર્ણ થયા બાદ દશેરા પર્વે ક્ષત્રિય સમાજમાં શસ્ત્ર પૂજન કરવાની પરંપરા રહી છે. એ જ પરંપરાને અનુસરીને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ આ વિધિ શ્રદ્ધાભર્યા અને ભવ્ય રીતે યોજાઈ હતી.
