વાગરા, ભરૂચ
– પોલીસ અને વાગરા મામલતદાર ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું : આગ લાગવાનું કારણ અકબંધ : સદ્દનસીબે કોઈ જાનહાનિ નહીં
વાગરા તાલુકાની સાયખા GIDC માં આવેલી નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આજે સવારે બોઈલર માં પ્રોસેસ દરમ્યાન અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC માં આવેલી નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આજે સવારે બોઈલર માં પ્રોસેસ દરમ્યાન અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
આગની જાણ થતા જ પોલીસ કાફલો મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી કે કંપની સત્તાધીશો દ્વારા આગના કારણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકશે.
આ ઘટનાએ GIDC ના નબળા માળખાકીય સુવિધાઓ જેમાં ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો સમયસર ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી શક્યા હોત તો કદાચ નુકસાની ઓછી થઈ શકી હોત. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા અને માળખાકીય સુવિધાઓની જાળવણીની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે.





