અંકલેશ્વર, ભરૂચ,
કાનપુરમાં ઈદ-એ-મિલાદના પર્વ પર આઈ લવ મોહંમદ (સ.અ.વ.) ના બેનરો લગાવવા મામલે પોલીસ દ્વારા થયેલી કાર્યવાહીના વિરોધમાં દેશભરમાં ફેલાયેલા રોષનો પડઘો આજે અંકલેશ્વરમાં પણ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને આઈ લવ મોહંમદ (સ.અ.વ.) ના બેનરો સાથે શાંતિપૂર્ણ રેલી યોજીને પોતાનો વિરોધ અને નારાજગી વ્યક્ત કરી હતી.
અંકલેશ્વરના સર્વોદય નગરથી શરૂ થયેલી આ રેલીમાં સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ કાનપુરની ઘટના સામે નારાજગી નોંધાવવાનો અને મુસ્લિમ સમાજની એકતા દર્શાવવાનો હતો. રેલીમાં નગરસેવક બખ્તિયાર ઉર્ફે બકકો પટેલ, વસીમ ફડવાલા, તારીક શેખ, માજીદ પટેલ, મોહશીન મીરઝા, અકબર અલી શેખ, આકીબ મકેલ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રેલી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી. પરંતુ જ્યારે તે ત્રણ રસ્તા સર્કલ પર પહોંચી ત્યારે પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી હતી જેના કારણે થોડા સમય માટે માહોલ ગરમાયો હતો પરંતુ મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે સમજાવટ થતા મામલો થાળે પડ્યો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું હતું. આ રેલીએ ભારપૂર્વક દર્શાવ્યું હતું કે કાનપુરની ઘટનાએ મુસ્લિમ સમાજમાં ભારે સંવેદનશીલતા ઊભી કરી છે અને સમાજ આ મુદ્દે શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે. આ રેલીએ સમાજની એકતા અને ભાઈચારાની ભાવનાને પણ મજબૂત બનાવી હતી.
