અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતા સાવન વસાવા અન્ય એક મહિલા સાથે તેમની બાઈક નંબર GJ 16 DR 2312 પર અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે તેમની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર બન્નેને ઇજા પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જનાર બાઈક પર રહેલ દેશી દારૂનો જથ્થો રોડ પર પડ્યો હતો. અકસ્માત અંગેની જાણ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ અકસ્માત સર્જનાર દારૂની હેરાફેરી કરનાર બુટલેગર જણાય રહ્યો હતો. આ મામલામાં એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ પોલીસની હાજરીમાં જ દેશી દારૂનો જથ્થો નર્મદા નદીમાં ફેંકી રહ્યો હોવાનું બહાર આવ્યુ છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. હાલ તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ મોટર વિહિકલ એક્ટ અને પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.





