અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વરના રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી બ્રિજ વિસ્તારમાં ફરી એકવાર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સવારે પિક અવર્સમાં અચાનક ઉભો થયેલો આ ટ્રાફિકજામ કલાકો સુધી ચાલુ રહ્યો હતો. પરિણામે વાહનચાલકો, ટ્રાન્સપોર્ટરો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હાઈવે નં.48 પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગતા અનેક ટ્રક, ટેન્કર તથા પ્રાયવેટ વાહનો કલાકો સુધી ધીમે ધીમે આગળ વધતા રહ્યાં. આ દરમિયાન લોકો પોતાના ગંતવ્ય સુધી પહોંચી જવામાં મોડું થયું હતું. ટ્રાન્સપોર્ટરોમાં ભારે નારાજગી જોવા મળી હતી કારણ કે રોજિંદી કમાણી કરતા વધારે ખર્ચ ઇંધણમાં થઇ રહ્યો છે. ટ્રક અને કન્ટેનરોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ઊભા રહેતા માર્જિંગ પર સીધી અસર પડી રહી છે. સ્થાનિક લોકો તથા મુસાફરોનો આક્ષેપ છે કે હાઈવે પર ખાડા તથા તૂટેલા રસ્તાઓને કારણે વારંવાર ટ્રાફિકજામ સર્જાઈ રહ્યું છે. ખાડા પુરવા અને પેચવર્ક માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી હજી સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ ઘટનાથી ફરી એકવાર સાબિત થયું છે કે હાઈવેની જર્જરિત સ્થિતિ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. ભરૂચથી સુરત જતા માર્ગ પર કિલોમીટરો લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળતા મુસાફરોમાં ભારે અકળામણ ફેલાઈ હતી. લોકોમાં હવે માંગ ઉઠી છે કે હાઈવે નં.48 પર તાત્કાલિક ખાડા પુરાઈને યોગ્ય પેચવર્ક કરવામાં આવે અને વાહનવ્યવહાર સુગમ બનાવવામાં આવે, નહિ તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.






