પાટણ,
ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે નદી-નાળા અને ડેમ છલકાયા છે. તેવામાં ગતરોજ (8 સપ્ટેમ્બર) પાટણના સિદ્ધપુરામાં સરસ્વતી નદીમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતી ડૂબી હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં બેના મોત નીપજ્યા છે જ્યારે એક યુવતીને બચાવી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ધોધમાર વરસાદના કારણે રાજ્યના અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે, ત્યારે તંત્ર તરફથી લોકોને નદી કિનારા વિસ્તારની નજીક ન જવા સૂચના પણ આપવામાં આવી છે, આ દરમિયાન સરસ્વતી નદીના પૂરમાં સિદ્ધપુરના મુડાણા ગામની ત્રણ યુવતીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે.
આ ઘટનામાં સજના છનાજી ઠાકોર (ઉં.વ.૧૯) અને કાજલ વનરાજજી ઠાકોર(ઉં.વ.૧૫)નું ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જ્યારે કાજલ છનાજી ઠાકોર (ઉં.વ. ૨૨)ને બચાવી લેવામાં આવી હતી. સમગ્ર ઘટાને લઈને ગામ આખામાં શોકનો માહોલ છવાયો છે




