ગુજરાત,
મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી રાજ્ય સરકારને નાના મોટા પુલોની સ્થિતિની ચકાસણી કરવાની જરૂર લાગી હતી.. માર્ગ મકાન વિભાગે તપાસ કરતાં જાણ થઈ કે, ગુજરાતમાં ૧૬૬ બ્રિજ અત્યંત જર્જરિત અવસ્થામાં છે. તેમાંય મોટા પુલો વધુ ભયજનક અને જર્જરિત છે.
ગંભીરા બ્રિજ તૂટતાં ૨૨ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકારને તમામ પુલોની ચકાસણી કરવા આદેશ કર્યાં હતાં, જેમાં જાણવા મળ્યું કે, અમદાવાદ, નડિયાદ, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, ભરુચ, રાજકોટ, ભાવનગર સહિત અન્ય જિલ્લામાં ૧૦૫૪ મેજર બ્રિજ, ૫૪૭૫ માઇનોર બ્રિજની તપાસ કરવામાં આવી હતી તે પૈકી ૭૪ મેજર બ્રિજ, ૫૧ માઇનર બ્રિજ અને ૪૧ અન્ય પુલોના સ્ટ્રક્ચર જર્જરિત અવસ્થામાં છે.
જો હજુય પુલોની સ્થિતિ ચકાસવામાં આવી ન હોત તો કદાચ ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત.ભયજનક સ્થિતીને જોતાં 178 પુલો પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આ કારણોસર વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડ્યો છે જેના કારણે સ્થાનિકોને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. માર્ગ મકાન વિભાગનો દાવો છે કે, ૧૫૦ પુલોના સમારકામ અને પુનઃ બાંધકામ માટે સરકારે મંજૂરી આપી દીધી છે. ગંભીરા પુલના સમારકામ માટે સ્થાનિકોએ વારંવાર લેખિત રજૂઆત કરી હોવા છતાં માર્ગ મકાન વિભાગે ગંભીરતા દાખવી ન હતી. જો માર્ગ મકાન વિભાગે પુલોની ચકાસણી કરી હોત અને સ્થાનિકોની અરજી ધ્યાને લીધી હોત તો કદાચ ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી જ ન હોત. પરંતુ, અધિકારીઓની બેદરકારી ના કારણે બ્રિજ તૂટી પડ્યો હતો.




