વાગરા, ભરૂચ
ભરૂચના સ્પા સંચાલકની હત્યાના ચકચારી કેસનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. ગત 10 ફેબ્રુઆરીના રોજ ઝાડેશ્વર રોડ પર આવેલ શ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલ અચાનક ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ બાદ બીજા દિવસે તેમનો મૃતદેહ વાગરા તાલુકાના રહાડ ગામથી વચ્છનાદ ગામ તરફ જતાં માર્ગ પર નાળાની નીચે અવાવરુ જગ્યાએથી હાથ-પગ બાંધેલી અને ગળા પર ફાંસો આપેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્પાનો ભાગીદાર મુન્તજીર પટેલ ઘટનાના દિવસે ક્રેટા કાર GJ 16 FA 6530 સાથે જોવા મળ્યો હતો. પોલીસ ટીમે તરત જ કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મૃતક અને આરોપી મુન્તજીર પટેલ વચ્ચે સ્પાના ધંધાને લઈને છેલ્લા કેટલાક મહિનાથી નાણાકીય વિવાદ ચાલતો હતો. મુન્તજીરને મૃતક પાસેથી આશરે ૯.૫૦ રૂપિયા લેવાના હતા. ઉપરાંત સ્પાના મેનેજર મહંમદ સોયેબ ભાદરકાને પણ પગાર બાકી હતો.
બન્નેએ મળીને રૂપિયા આપવાના બહાને મૃતકને બોલાવી કારમાં બેસાડી ગળે ફાંસો આપી હત્યા કરી. ત્યારબાદ મૃતદેહને વાગરા નજીક નાળાની નીચે ફેંકી દીધો હતો.LCBની ટીમે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ વિસ્તારમાંથી મેનેજર મહંમદ સોયેબ ભાદરકાને પણ ઝડપી પાડ્યો હતો. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને વાગરા પોલીસને સોંપવામાં આવ્યા છે.પોલીસે ગુનામાં ઉપયોગ થયેલી ક્રેટા કાર, iPhone 15, iPhone 11 અને લેડીઝ બુરખો સહિત કુલ રૂ. ૫.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.




