આમોદ, ભરૂચ
આમોદનો નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર પડેલા મસમોટા ખાડાને કારણે છેલ્લા બે દિવસમાં અડધો ડઝનથી વધુ વાહનો ફસાયા હતા. જેથી લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભારોભાર રોષ જોવા મળ્યો હતો. મસમોટા ખાડામાં મોટા ટ્રક, રીક્ષા, કાર સહિત ટેન્કર ફસાવવાનો કારણે લાંબો ટ્રાફિક જામ પણ થઈ જવા પામ્યો હતો છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને લીધે નેશનલ હાઈવે ઉપર પડેલા અનેક મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નેશનલ હાઇવે નંબર ૬૪ ની બિસ્માર હાલતને કારણે રોજ અનેક વાહનો ફસાય છે અને અકસ્માતો થાય છે. ફસાયેલા મોટા અને નાના વાહનોને બહાર કાઢવા માટે વાહનચાલકોએ ક્રેનની મદદ લેવી પડી હતી. જેના કારણે ટ્રાફિકજામની મોટી સમસ્યા સર્જાઈ હતી અને મુસાફરોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. હાઈવે ઓથોરિટી સામે વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.





