બોડેલી, છોટાઉદેપુર
– જુવાન જોધ પત્ની ઇન્દુ બેને પોતાનો સુહાગ ગુમાવ્યો
– યુવાનના 11 વર્ષના પુત્ર ધૃતિક અને નવ વર્ષની પુત્રી સુહાની બેને પિતાની છત્રછાયા ગુમાવી
– પિતા નવલસિંહ ભાઈ માતા બલી બેને પુત્ર ગુમાવ્યો હતો જ્યારે દિનેશે પોતાના મોટાભાઈને ગુમાવ્યો હતો
– રાત્રિના 12:00 કલાકે દિલીપભાઈ ની ડેથ બોડી ગામમાં આવતા પરિવારજનો તેમજ ગ્રામજનો હિબકે ચડ્યા
શનિવારના રોજ પાવાગઢ રોપવે દુર્ઘટનામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાનકડા મોતીપુરા ગામના યુવાનનું મોત નીપજ્યું હતું. પાવાગઢ રોપ વે દુર્ઘટનામાં મોત નીપજતા દિલીપભાઈ નવલસીંગભાઇ કોળી નાબોડેલી તાલુકાના ખોબલા જેવડા મોતીપુરા ગામે માતમ છવાયો હતો. દિલીપભાઈ પાવાગઢ ખાતે પાછલા પાંચ છ વર્ષથી નિજ મંદિર ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકેની ફરજ બજાવતા હતા. શુક્રવારના રોજ દિલીપભાઈ પોતાના ઘરે આવ્યા હતા અને રાત રોકાઈ બીજા દિવસે શનિવારે સવારે 11:00 કલાકે પાવાગઢ જવા માટે નીકળ્યા હતા. તેઓના પરિવારજનોને, ગ્રામજનોને તથા મિત્રોને ક્યાં એવી ખબર હતી કે દિલીપભાઈ આજે સૌને મળીને જઈ રહ્યા છે અને તેઓ આ ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટશે.
ગઈકાલ બપોર જયારે દિલીપ ભાઈ ના મૃત્યુની ખબર આવી ત્યારથી આ ખોબલા જેવડા ગામમાં કોઈના ઘરે ચૂલા સળગ્યા નથી અને સમગ્ર ગામ માતમમાં ગરકાવ થઈ ગયું હતું. રાત્રે 12:00 કલાકે હાલોલની સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં જ્યારે દિલીપભાઈ ની બોડી આવી તે સમયે સમગ્ર ગામ તેઓના ઘરે એકત્રિત થયેલું હોય પરિજાનો સાથે આખું ગામ હિબકે ચડ્યું હતું. પારિજનોના આક્રંદથી ગામ આખા ગામમા માતમ છવાય ગયો હતો.
આજરોજ રવિવારે પાવાગઢ માલવાહક રોપ વે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિલીપભાઈ ની બપોરે 12 કલાકે અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં પણ આસપાસના ગામોના તેમજ સગા સંબંધીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ દુખદ ઘટનાથી સમગ્ર ગામ સહિત આસપાસના ગામના રહીશો તેમજ સગા સંબંધીઓમાં ગમગીની છવાઈ હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ – બોડેલી, છોટાઉદેપુર





