વોરા સમની, ભરૂચ
પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના 1500 મા જન્મદિવસ જશ્ને ઇદે મિલાદુન્નબીના પ્રોગ્રામની ઉજવણી આજે વાગરા તાલુકાના વોરા સમની ગામ ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી.
આ પવિત્ર અવસરે મુસ્લિમ સમાજ દ્વારા વોરા સમની ગામમાં ભવ્ય ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ ઝુલૂસમાં ગામના છોકરાઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. છેલ્લા 2-3 દિવસ સતત વરસી રહેલા વરસાદના કારણે ઈદે મિલાદના દિવસે ગામના ટ્રસ્ટ દ્વારા ઝૂલુસનો પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવ્યો હતો. અત્યારે વરસાદમાં રાહત થઇ હોય ટ્રસ્ટ દ્વારા આજના દિવસે ઝૂલુસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. નોંધ કરવા જેવી બાબત એ હતી કે ઈદે મિલાદના પર્વ ને 2 દિવસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં ગામ લોકોના ઉત્સાહમાં કોઈ કમી આવી ના હતી અને ગામ લોકોએ આ પવિત્ર દિવસનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો. ઝૂલુસ શાંતિપૂર્ણ રીતે નાતશરીફ તથા સલાતો સલામની ટીલાવત સાથે ગામની મસ્જિદથી નીકળી આખા ગામની ગલીઓમાં થઇ ફરી મસ્જિદ પાસે આવી ઝૂલુસનું સમાપન કરી લોકો છુટા પડ્યા હતા. ગામમાં ઠેર ઠેર ઝૂલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ગામ લોકો દ્વારા ઝૂલુસમાં સામેલ થયેલ લોકોને દૂધ, ખીર તથા આઈસક્રીમ ખવડાવી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઈદે મિલાદના દિવસે મસ્જિદમાં મુએ મુબારકના દીદાર કરવાનો પ્રોગ્રામ હોય સવારથી જ મસ્જિદમાં લોકોની ભીડ જોવા મળી હતી. સવારે પુરુષો તથા જુમ્માની નમાજ બાદ મહિલાઓ માટે મુએ મુબારકના દીદાર કરવાનો પ્રોગ્રામ હોય જુમ્મા બાદ પણ મસ્જિદમાં મહિલાઓની ભીડ જોવા મળી હતી. તદુપરાંત સવારે સમગ્ર ગામ લોકો માટે નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. સતત વરસી રહેલા વરસાદના કારણે ગામના યુવકો દ્વારા ઘર ઘર નિયાઝ પહોંચડવામાં આવી હતી. આ પ્રસંગે ગામના યુવાનોની કામગીરી ખરેખર પ્રસંશનીય હતી.
