જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– શ્રેષ્ઠ શિક્ષકો સહિત જ્ઞાન સાધના-જ્ઞાન સેતુમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

– ભરૂચ શિક્ષણ વિભાગની વેબસાઈટનું ઈનોગ્રેશન કરવામાં આવ્યું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દિન જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષક દિવસના અવસરે શ્રેષ્ઠ શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રીની પણ પ્રેરક ઉપસ્થિતિમાં રહી હતી.

જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથરતા શિક્ષકોની સેવાને બિરદાવતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે.આપણે સૌ ખૂબ નસીબદાર છીએ કે, આપણા જિલ્લા સહિત રાજયને સરકાર તમામ ક્ષેત્રોના વિકાસ માટે ઘણી યોજનાઓ અને ગ્રાન્ટ પ્રદાનનો લાભ મળી રહ્યો છે. અન્ય રાજ્યોની પરિસ્થિતિ કરતા ઘણું જ સારું વાતાવરણ આપણને સૌને મળી રહ્યું છે. જ્યારે રાજ્ય સરકાર જ આપણને આટલી મદદ કરી રહી છે, આપણે આ તકનો લાભ ઉઠાવીને સૌએ આપણાક્ષેત્રમાં સંપૂર્ણ સમર્પણ અને જવાબદારીપૂર્વક કામ કરવું રહ્યું. ભરૂચ જિલ્લામાં તાજેતરમાં નેશનલ એચીમેન્ટ સર્વે (NAS) માં જિલ્લાનું ૧૯મું રેન્કિંગ છે પરંતુ આ રેન્કિંગને ટોપ ૧૦ માં લાવવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરવું પડશે. શિક્ષકોને વધુને વધુ તાલીમ અને જરૂરી સાધનો પૂરા પાડીને તેમનું જ્ઞાન અને કૌશલ્ય વધારવું પડશે. સાથો સાથ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને વાતાવરણ આપવા પ્રાથમિક શિક્ષક અને માધ્યમિક શિક્ષક વચ્ચેના કોમ્યુનિકેશન ગેપને ધટાડવા આપણે જિલ્લામાં એક સિસ્ટમ લાગુ કરી રહ્યા છે જેનાથી શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરી શકીશું અને ભરૂચમાં શિક્ષણના સ્તરને વધુ ઉંચાઈ પર લઈ જઈ શકીશું. વિવિધ ક્ષેત્રમાં આવી રહેલું ટેકનોલોજીનું આગમન તમામ ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તનો લાવી રહ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ શિક્ષણની ગુણવત્તામાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. શિક્ષણક્ષેત્રે ગુણવત્તારૂપ શિક્ષણના આ બદલાવ સાથે તાલ મિલાવવા માટે શિક્ષકોએ પણ પોતાની જાતને સતત અપડેટ કરી શિક્ષણની નવીન પદ્ધતિઓ અપનાવી પડશે. આપણા પાસે યુવા વસ્તીનું મોટું બળ (ડેમોગ્રાફિક ડિવિડન્ડ) છે, અને તેને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી આપણે સૌએ ભારતને વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવી શકીએ છીએ. આ માટે શિક્ષકોની ખૂબ મોટી જવાબદારી બને છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડને અત્યારથી એ દીશામાં માર્ગદર્શિત કરીશુ ત્યારે આપણે સૌ ભારતને એક ઉજ્જવળ ભવિષ્ય આપીશું.

આ તકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાથે જ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી નવાજવામાં આવેલા શિક્ષકોએ પણ પોતાનો અનુભવો રજૂ કર્યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ દ્નારા મહાનુભાવોના હસ્તે ભરૂચ શિક્ષણવિભાગની વેબસાઈટનું ઈનોગ્રેશન કરવામાં આવ્યું હતુ. આ વેબસાઈટમાં શિક્ષકો, શાળાઓ, વિદ્યાર્થીઓને લગતી બાબતો અને વિવિધ પરિપત્રો વગેરે ઉપલબ્ધ બનશે.
‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’માં તાલુકાકક્ષાએ નેત્રંગ તાલુકાના બે, અંકલેશ્વરના એક, ભરૂચના બે અને ઝઘડીયા તાલુકાના એક એમ કુલ છ શિક્ષકોને પ્રશસ્તિપત્ર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં શ્રેષ્ઠ શિક્ષકો સહિત જ્ઞાન સાધના-જ્ઞાન સેતુમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન થાય એ માટે તેમનું પણ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે સ્વાગત પ્રવચન અને પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ આભાર દર્શન કર્યા હતા.તાલુકાના શિક્ષકો -આચાર્યો, જિલ્લા શિક્ષણસંઘના પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!