ભરૂચ,
ઈસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર મહમમદ સ.અ.વ. નો જન્મ મુસલમાની મહિનો રબીઉલ અવવલની 12 મી તારીખે થયો હતો જે આગામી 5 મી સપ્ટેમ્બરને શુક્રવારના દિવસે આવે છે જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદના નામે ઉજવે છે. આખી દુનિયામાં મુસ્લિમ સમુદાય આ પવિત્ર તહેવારમાં ઝૂલુસો કાઢી, મસ્જિદમાં ઈબાદત કરી આ પવિત્ર દિવસની ઉજવણી કરતાં હોય છે. આ પવિત્ર દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં તમામ ધાર્મિક સ્થાનો, તમામ મુખ્યમાર્ગો, શેરી, મહોલ્લાઓ, મકાનો અને જ્યા જુઓ ત્યાં રંગબેરંગી લાઈટોથી શણગારી આ પવિત્ર પર્વની સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. આ દિવસે ગામની ભાગોળે ન્યાજનું આયોજન કરવામાં આવનાર છે. વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખ્વાની કરી ગામના મુખ્ય માર્ગો ઉપર ઝુલુસ કાઢવામાં આવશે અને ત્યાર બાદ ગામની જુમ્મા મસ્જિદમાં પયગમ્બર હઝરત મહમમદ સ.અ.વ. ના મુએ મુબારક એટલે કે બાલ મુબારકના દીદાર કરાવવામાં આવનાર છે.





