ભરૂચ,
ભરૂચ જિલ્લામાં નેશનલ પોસ્ટ ડે ની ઉજવણીના ભાગરૂપે આજે ખાસ કાર્યક્રમ અંતર્ગત સન્ડે ઓન સાઇકલ અભિયાન હેઠળ સાયકલોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા તપાલ વિભાગના સહયોગથી યોજાયો હતો. સાયકલોનનું પ્રસ્થાન કલેક્ટર કચેરીથી કરવામાં આવ્યું. પ્રસ્થાન પહેલા કલેક્ટર ડૉ. ગૌરાંગ મકવાણા અને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીએ હાજરી આપીને સાયકલ રેલીને લીલી ઝંડી બતાવી રેલીમાં સાથે જોડાયા હતા. સાયકલોન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા. આ સાયકલિંગ શહેરના શક્તિનાથ સર્કલ, પાંચબત્તી સર્કલ, શાલીમાર હોટલ, સ્ટેશન સર્કલ જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. અંતે રેલી સિવિલ હોસ્પિટલ રોડ પરથી ફરીને કલેક્ટર કચેરી ખાતે સમાપન થયું. જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો, આરોગ્ય માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો તેમજ ફિટ ઈન્ડિયા અભિયાનને મજબૂતી આપવા સાથે નેશનલ સ્પોર્ટ્સ ડે ના મહત્ત્વને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સાયકલિંગમાં ભાગ લેનાર લોકોને રમત ગમત સાથે ફિટ ઇન્ડિયા માટે લોકોને જાગૃત કરવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી .આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર માર્ગ પર પોલીસ તંત્ર અને સ્વયંસેવકો દ્વારા યોગ્ય બંદોબસ્ત કરવામાં આવ્યો હતો જેથી કોઈ પ્રકારની અવરજવર કે અકસ્માત ન બને.





