ભરૂચ જીલ્લામાં વરસાદી માહોલમાં નેત્રંગના બલદવા ડેમ ઓવરફ્લો થતા સેલાણીઓ ઉમટ્યા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ અને નર્મદા જીલ્લામાં સતત વરસતા વરસાદે સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. હરિયાળીથી આચ્છાદિત પહાડીઓ અને નદી-નાળા છલોછલ ભરાઈ જતા કુદરત પ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટનનું કેન્દ્ર બની ગયો છે. ખાસ કરીને ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના બલદવા ગામ નજીક આવેલો બલદવા ડેમ હાલમાં ઓવરફ્લો થવાથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
નેત્રંગથી આશરે ૧૦ કિલોમીટર અંતરે આવેલો આ બલદવા ડેમ પૂરતા વરસાદથી છલોછલ ભરાઈ ગયો છે અને પાણીની સતત આવક ચાલુ છે. ડેમ પરથી વહેતા પાણીના ઝરણા અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આજુબાજુના ગામો ઉપરાંત ભરૂચ, નર્મદા તેમજ સુરત જિલ્લાના લોકો પરિવાર સાથે અહીં ફરવા પહોંચી રહ્યા છે. વરસાદી માહોલમાં ઠંડા પવન અને હરિયાળી વચ્ચે લોકો ફોટોગ્રાફી કરીને આ ક્ષણોને યાદગાર બનાવી રહ્યા છે. શહેરની ભાગદોડભરી જિંદગીથી દૂર, શાંતિપૂર્ણ વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા લોકો માટે બલદવા ડેમ એક આદર્શ પિકનિક સ્પોટ બની ગયો છે. ખાસ કરીને રવિવાર અને રજાના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં પણ આ સ્થળના ફોટો અને વીડિયો શેર કરી રહ્યા છે, જેના કારણે આ સ્થળની લોકપ્રિયતા વધી રહી છે. સ્થાનિક લોકો જણાવે છે કે છેલ્લા થોડા દિવસોમાં વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે અને ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. કુદરતી સૌંદર્ય માણવા આવનારા લોકો માટે અહીં સલામતીની વ્યવસ્થા પણ જરૂરી છે, જેથી અકસ્માતની શક્યતા ન રહે. બલદવા ડેમ આજના સમયમાં કુદરત પ્રેમીઓ માટે મિની હિલ સ્ટેશન સમાન બની ગયો છે, જ્યાં લોકો કુદરતી શાંતિ અને સૌંદર્યનો લહાવો માણી રહ્યા છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!