આમોદ, ભરૂચ
– પાલિકામાં ઢોર પકડવાની ટીમના અભાવ વચ્ચે ઢોર ડબ્બાનું લાખો રૂપિયાનું બિલ ચૂકવી દેવાયું
આમોદ નગરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. આમોદ પાલિકાએ બનાવેલા ઢોર ડબ્બામાં હજુ સુધી એક પણ ઢોર પકડીને પૂરવામાં આવ્યું નથી.ત્યારે પાલિકાએ હાલમાં ઢોર ડબ્બાના રીપેરીંગ પાછળ ચાર લાખથી વધુનો ખર્ચ કરતા નગરજનોમાં પાલિકા ખોટા ખર્ચ કરી અણઘડ વહીવટ કરતી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
અત્રે નોંધવું રહ્યુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક રૂમ એક કિચન બનાવવા માટે સાડા ત્રણ લાખ આપવામાં આવે છે જે બીમ કોલમ ધાબુ ભરીને બનાવવામાં આવે છે ત્યારે પાલિકાએ બનાવેલો આ ઢોર ડબ્બો બીમ કોલમ લીધા વગર માત્ર તળીયું, પ્લાસ્ટર અને પતરા મારીને રીપેરીંગ કરવામાં આવ્યો છે જેના માટે ચાર લાખ ઉપરની રકમ નગરપાલિકા દ્વારા કેવી રીતે વાપરવામાં આવી તે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આમોદ નગરમાં જાહેર રોડ ઉપર તેમજ મેઈન બજારમા રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે પરંતુ પાલિકા પાસે ઢોર પકડવા માટે નિષ્ણાંત ટીમ નથી કે ઢોર પકડવાના સાધનો પણ નથી ત્યારે પાલિકાએ ઢોર ડબ્બાના રીપેરીંગ કરવા પાછળ ચાર લાખથી વધુનો ખર્ચ કેમ કર્યો તે નગરજનોને સમજાતું નથી. નગરજનોમાં ચર્ચા જગી છે કે નગર પાલિકાએ લાખોના ખર્ચે ઢોર પુરવા માટે ઢોર ડબ્બો તો રીપેરીંગ કરાવ્યો પણ નગરમાં ફરતા પશુઓ પકડી ઢોર ડબ્બામા પુરવા માટે કોઈ વ્યક્તિની નિયુક્તિ કરેલ નથી. જોકે શાસક પક્ષ ભાજપના જ ૧૨ સદસ્યોએ ઢોર ડબ્બો રીપેરીંગ કરવા બાબતે વિરોધ નોંધાવી તેમાં ગુણવત્તા વગરનું કામ ચાલતું હોવાની ઉચ્ચ કક્ષાએ તેમજ મુખ્ય અધિકારીને ફરીયાદ કરી હતી છતાં તેનું બિલ કેવી રીતે ચૂકવી દેવાયું તે નગરમાં ચર્ચાઈ રહ્યુ છે.




