બોડેલી, છોટાઉદેપુર
આજે સનાતન હિંદુ ધર્મ માટે એક ગૌરવવંતો આધ્યાત્મિક દિવસ એટલે જન્માષ્ટમી. આજથી 5,000 વર્ષ પહેલા પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, આનંદ કંદ સ્વરૂપ, સમગ્ર વિશ્વનાનાથ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો જેનાથી સમગ્ર વ્રજ મંડળમાં આનંદ ઉત્સવ છવાયો હતો. આજે પણ આ ઉત્સવ એવી જ રીતે આનંદ ઉલ્લાસ અને ભક્તિ ભાવ પૂર્વક સમગ્ર ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે. બોડેલી નગરમાં પણ આ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવીહતી. સવારથીજ બોડેલીના વિવિધ મંદિરો ઘંટનાદ અને શંખનાદથી ગુંજી ઉઠ્યા, મંદિરોને રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યા હતા.બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે પણ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂનથી કરવામાં આવી, સવારે શ્રી પ્રભુને સ્નાન થયા ત્યાર બાદ શૃંગારના દર્શનમાં પ્રભુને તિલક આરતી કરવામાં આવી. સર્વે ભક્તજનો કેસરી પીળા વસ્ત્રો પરિધાન કરી પ્રભુના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને પ્રભુના રાતના 12:00 વાગ્યાના જન્મોત્સવના દર્શન શંખનાદ અને ઘંટનાદ સાથે જ્યારે ખુલ્યા ત્યારે “કૃષ્ણ કનૈયા લાલ કી જય” નંદ ઘેર આનંદ ભયો “જય કનૈયા લાલ કી” ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજે વિવિધ મંડળો દ્વારા પણ પસંદ કીર્તન કરી નાચી ઝુમી ઊઠીને આ ઉત્સવને મનાવવામાં આવ્યો. બોડેલીના રામજી મંદિર ‘રામ કબીર મંદિર’ ગોપેશ્વર મંદિર તેમજ ખોડીયાર ચોક ખાતે પણ ભવ્ય મટકી ફોડનો કાર્યક્રમ યોજી આ ઉત્સવને આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આમ સમગ્ર દિવસ દરમિયાન બોડેલી, અલીપુરા અને ઢોકલીયામા આનંદ ઉલ્લાસ છવાયેલો જોવા મળ્યોહતો.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ- બોડેલી, છોટાઉદેપુર





