કાલોલ, પંચમહાલ
કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામમાં કૌટુંબિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તખતસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, 9 ઓગસ્ટના રોજ સવારે સાડા છ વાગ્યે તેમની દીકરી સપનાબેન અને જમાઈ કલ્પેશ રાઠોડ વચ્ચે ઝઘડો થયો હતો. કલ્પેશભાઈ તેની પત્ની સપનાને લાકડીથી મારી રહ્યો હતો, જેથી તખતસિંહની પત્ની આનીબેન વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન કલ્પેશ, તેના પિતા વિજયભાઈ અને ભાઈ શૈલેષે આનીબેનને અપશબ્દો કહ્યા હતા. પરિસ્થિતિ વણસતા તખતસિંહ અને તેમનો પુત્ર જશવંત પણ વચ્ચે પડ્યા હતા.
ઉશ્કેરાયેલા કલ્પેશે તખતસિંહના માથામાં લાકડી મારી હતી. થોડી વાર પછી શૈલેષ, વિજયભાઈ અને સુમિત્રાબેન લાકડીઓ લઈને આવ્યા હતા. શૈલેષે જશવંતના માથામાં લાકડી મારી હતી, જ્યારે સુમિત્રાબેને આનીબેનને મારી હતી. આરોપીઓએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ કાલોલ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તખતસિંહ અને જશવંતને બીજા દિવસે રજા આપવામાં આવી હતી, જ્યારે આનીબેન હજુ પણ સારવાર હેઠળ છે. પોલીસે કલ્પેશ, વિજયભાઈ, શૈલેષ અને સુમિત્રાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
રમેશ કોન્ટ્રાક્ટર કાલોલ પંચમહાલ




