ભરૂચ,
– પોલીસે CCTV ની મદદથી જંબુસરના કોરા ગામના સમીર યાસીન ખીલજીની અટકાયત કરી
– દંપતી બેંકમાંથી રૂપિયા ઉપાડી પરત ફરતી રહ્યા હતા તે વેળા APMC નજીકના પેટ્રોલ પંપ નજીક બનાવ બન્યો હતો
– ૧૩ હજાર રૂપિયા રોકડા અને મોબાઈલની આરોપી ચીલ ઝડપ કરી બાઈક લઈને ભાગ્યો હતો
ભરૂચના સીફા ત્રણ રસ્તા નજીક APMC માર્કેટ સામે આવેલા ઈટવાલા પેટ્રોલ પંપ પાસે ૧૧ઓગસ્ટના રોજ થયેલ ચીલ ઝડપના ગુનાનો ભેદ ફક્ત ગણતરીના કલાકોમાં ઉકેલી ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરી સંપૂર્ણ મુદામાલ કબજે કર્યો છે.
ભરૂચ શહેરમાં રહેતા ફરીયાદી દંપતી ભરૂચ APMC નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાંથી રૂપિયા ૧૩૦૦૦ ઉપાડી પેટ્રોલ પંપ પર આવ્યા હતા. ફરીયાદીના પતિ પેટ્રોલ ભરાવવા ગયા ત્યારે, લાલ ટી-શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલો બાઈક સવાર એક અજાણ્યો વ્યક્તિ ફરીયાદીના હાથમાંથી પાકીટ ઝૂંટવી ભાગી ગયો હતો. આ અંગેની ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.એસ. વણઝારાના નેતૃત્વમાં સર્વેલન્સના પીએસઆઈ એ.યુ.દિવાન સાથે સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથધરી હતી જેમાં ટીમે પ્રથમ સ્થળની આસપાસના CCTV ફૂટેજ અને રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટની ટેકનોલોજી સાથે હ્યુમન સોર્સની મદદથી આરોપીનો પતો લગાવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે,આરોપી જંબુસરના કોરા ગામનો છે અને હાલમાં કંથારીયા ગરીબ નવાઝ ફળિયામાં રહે છે. પોલીસે કંથારીયા ગામ નજીકથી આરોપી સમીર યાસીન અલી અત્તુ ખીલજીને દબોચી લીધો હતો. આરોપીની પૂછતાજ કરતા તેણે ગુનો કર્યાની કબૂલાત પણ કરી હતી.
જોકે આરોપી પકડાઈ જવાના બીકથી ચીલ ઝડપનો મુદ્દામાલ રૂપિયા અને મોબાઈલ ફોન દહેગામ-દશાન રોડની બાજુમાં જમીનમાં દાટી દીધા હતાં જે પોલીસે સ્થળથી કબ્જે કર્યા હતાં. આ કેસમાં વધુ તપાસ પીએસઆઈ વી.પી.મલ્હોત્રા કરી રહ્યા છે.





