છોટાઉદેપુર,
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજિસ કલારાણી ખાતે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાની તળેટી અને ઓરસંગ નદીના કિનારે કે જ્યાં કુદરતે કુદરતી સોંદર્યની ભેટ આપી છે તેવા છોટાઉદેપુર જિલ્લામાં ઉપસ્થિત રહેવાની તક મળી છે. આદિવાસી રાઠવા સમુદાયના લખારા દ્વારા લખવામાં આવતા બાબા પિઠારા છોટાઉદેપુરની ઓળખ છે. સંખેડાના ખરાળી સમુદાય દ્વારા બનાવવામાં આવતું સંખેડા ફર્નિચર કાષ્ઠ કલા વિશ્વ વિખ્યાત છે. છોટાઉદેપુરના અંબાલા ગામના સ્થાનિકો દ્વારા બનાવવામાં આવતા માટીના વાસણોની મધ્યપ્રદેશમાં સૌથી વધુ માંગ છે એમ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું કે ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીનું વર્ષ છે. આ એક સંકલ્પનું વર્ષ પણ છે. આદિવાસી સમાજે હજારો વર્ષથી પ્રકૃતિને સંરક્ષિત કરી છે. અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી વર્ષની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય જયંતિ રાઠવા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ આદિવાસી સમાજમાંથી આવતા શૈક્ષણિક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને રમતવીરોનું પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક અને મંજુરીપત્ર એનાયત કર્યા હતા સાથે કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત ટીમલી નૃત્યો કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ, સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




