ભરૂચ,
ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના પગલે સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને પ્રસાર-પ્રચાર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે. આ અંતર્ગત “સંસ્કૃત સપ્તાહ યોજના”ની ત્રિદિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ હોતું કલેક્ટર કચેરી ખાતે સમાપન પામી હતી. યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન સંગીતમય અને સંસ્કૃતમય પવિત્ર વાતાવરણ સર્જાયું હતું. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃત સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી. ચિત્રો અને બેનરો દ્વારા સંસ્કૃત ભાષાની મહત્તા અને વારસાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલ અને શિક્ષણ કચેરીના દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી અને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના ઉંમટાવી હતી.





