છોટાઉદેપુર,
સમગ્ર ગુજરાત રાજ્યમાં બહુ ચર્ચિત એવું પાવીજેતપુર ભારજ નદીનો ડાયવર્ઝન જ્યાં ખૂબ જ મોટા પાયામાં ભ્રષ્ટાચારના મુદ્દા સામે આવ્યા છે. વાત કરીએ તો પાવીજેતપુર ભારજ નદીનો ડાયવર્ઝન પહેલા જ પાણીએ ધોવાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને પાવીજેતપુર જવા માટે ખૂબ જ મોટો ફેરો કરવો પડે છે, કેટલાક લોકો સિહોદ ચોકડી ખાતે પોતાના વાહનો મૂકી રેલવે બ્રિજ ઉપરથી પસાર થાય છે અને સામે ચાલતા જતા હોય છે, કેટલાક લોકો જીવના જોખમે રેલવે બ્રિજ પરથી નીચે ઉતરતા જોવા મળે છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી હાલ નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થઈ ગયો છે તો કોઈ વૈકલ્પિક રસ્તો કેમ કાઢવામાં આવતો નથી? ટુવીલ તથા ફોરવીલ જેવા નાના સાધનોની અવરજવર માટે ચાર પાંચ મોટા મોટા પાણીના પાઇપો મૂકીને પૂરણ કરવામાં આવે તો પણ ત્યાંથી વૈકલ્પિક માર્ગ નીકળી શકે એમ છે. ગત વર્ષે જનતાએ જનતાના ફાળે જનતા ડાઇવર્ઝન બનાવ્યું હતું ત્યારે ઓલ વેધર ડાયવર્ઝન રૂપિયા 4 કરોડ ઉપરાંતની રકમનું ડાઇવર્ઝન મંજૂર કરી ફરી જનતાને છેતરવામાં આવી. 4 કરોડ જેવી માતબર રકમથી બનાવવામાં આવેલું ડાયવર્ઝન પણ સીઝનના પહેલા જ પાણીએ ધોવાઈ ગયું, ત્યારબાદ કોન્ટ્રાક્ટર અધિકારી ત્યાંથી જાણે ગાયબ જ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. કોઈપણ જાતની કામગીરી ડાયવર્ઝન અર્થે સ્થળ પર જોવા મળી રહી નથી જ્યારે જનતા આજે પણ પહેલા જેવી પરિસ્થિતિમાં હાલાકી વેઠી રહી છે તો આ બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ રસ લઈને કોઈ ઔપચારિક ડાઇવર્ઝન બનાવી આપે એવી લોક માંગ ઉઠી રહી છે જેથી કરીને લોકોને જે જીવનો જોખમ ખેડવું પડે છે તેનાથી બચાય અને કોઈ મોટી અનહોની ના બને અને આવનાર તહેવારોમાં પાવીજેતપુર તથા આસપાસમાં ગામોના વેપારીઓને ધંધો રોજગાર મળી રહે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર – ઝહીર સૈયદ, બોડેલી





