અમદાવાદ શહેરમાં ગત રાત્રિથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે આજના દિવસમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અને રબારી કોલોની સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સરસપુર, વટવા, મણિનગર, ચાણક્યપુરી, ચાંદખેડા, ગોતા, થલતેજ, પકવાન ચાર રસ્તા, સિંધુભવન, ઇસ્કોન, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, અને વેજલપુર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, કાલુપુર, ઇન્કમટેક્સ, શાહપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.
