ભરૂચ,
આમોદ તાલુકા પંચાયત સભાખંડમાં આજ રોજ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ચૂંટણી અધિકારી સચિનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આમોદ તાલુકા પંચાયતની ૧૬ સીટના વિજેતા સભ્યો હાજર રહ્યા હતા.પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા દરમ્યાન પ્રમુખ પદ માટે રાજદીપસિંહ દાયમાને કુલ ૧૨ મત મળતા તેઓ આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા.જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના વિજયભાઈ ઠાકોરને પણ ૧૨ મત મળતા તેઓને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના બંને ઉમેદવારોને માત્ર ત્રણ-ત્રણ મત મળ્યા હતા.જ્યારે એક અપક્ષ સભ્ય ઇકબાલ પટેલ કોઈપણ પક્ષના ઉમેદવારને મતદાન ન કરી પોતાની તટસ્થ ભૂમિકા જાળવી રાખી હતી.
પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી બાદ આમોદ તાલુકા પંચાયત પરિસરમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો. આ દરમિયાન સમગ્ર આમોદ તાલુકા પંચાયત પરિસર ભારત માતા કી જયના વિજયઘોષથી ગુંજી ઉઠ્યો હતો તેમજ તાલુકા પંચાયત પરિસરમાં વિજેતા ઉમેદવારો તથા કાર્યકરોએ માથે કેસરિયા સાફા બાંધી ડી.જે.ના તાલ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ સાથે ભાજપના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત આમોદ તાલુકા પંચાયતની પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપના વિજેતા ઉમેદવારો તથા સંગઠનના હોદેદારો અને કાર્યકરો માથે કેસરિયા સાફા સાથે જોવા મળ્યા હતા.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)