ભરૂચ,
• ભરૂચમાં લોકો સાથે છેતરપિંડી આચારતા પોલીસ ફરિયાદ નોંધાતા કાર્યવાહી
રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે 20 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ‘વર્ધિયન’ અને ‘કુલચા કાફે’ના નામે ફ્રેન્ચાઈઝી આપવાનું કહી રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવતા બે ને પોલીસે ઝડપી પાડ્યા હતા.
60 આઉટલેટ્સના નામે આચરાયું કૌભાંડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચના ભારતીનગરમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવીએ રોકાણકારોને દેશભરમાં 60 ફૂડ સ્નેક્સ આઉટલેટ્સ ખોલવાનું આયોજન દર્શાવી મોટા પાયે મૂડી એકઠી કરી હતી. જોકે, કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યા બાદ આ દંપતીએ માત્ર 18 આઉટલેટ્સ જ શરૂ કર્યા હતા, જ્યારે બાકીના આઉટલેટ્સ ખોલ્યા જ નહોતા. રોકાણકારો જ્યારે પોતાના નાણાં અથવા આઉટલેટ અંગે પૂછપરછ કરતા, ત્યારે દંપતી તેમને વારંવાર ખોટા વાયદાઓ આપીને ગુમરાહ કરતું હતું.
ગરીબ મહિલાઓ અને કર્મચારીઓ પણ ભોગ બન્યા આ કૌભાંડનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નહીં, પરંતુ સામાન્ય વર્ગના કર્મચારીઓ પણ બન્યા છે. સુરત અને વડોદરા સહિતના શહેરોમાં આલુ ટીક્કી અને પીઝા જેવી વાનગીઓ બનાવીને સપ્લાય કરતી 40થી વધુ મહિલાઓ તેમજ 50થી વધુ કર્મચારીઓનો સ્ટાફ આ સંસ્થામાં કાર્યરત હતો. આ ગરીબ અને મધ્યમવર્ગીય મહિલાઓને છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નહોતો, જેના કારણે આ પરિવારો આર્થિક કટોકટીમાં મુકાયા છે.
પોલીસ દ્વારા બે આરોપીઓની અટકાયત સમગ્ર મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસે રોકાણકારોની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલી મહિલા આરોપી વૈભવી શેરે અને અન્ય એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે સહિતના અન્ય લોકોની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)