ભરૂચવાસીઓને આગામી ૧૫ જુન સુધી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા નગરપાલિકાની અપીલ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– અમલેશ્વર બ્રાંચ કેનાલમાં રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી લેવાયો નિર્ણય 

ભરૂચવાસીઓએ પાણીકાપ માટે તૈયાર રહેવું પડશે. શહેરના નાગરિકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અમલેશ્વર બ્રાંચ કેનાલમાં જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી મુજબ, આગામી ૨૪ મે થી ૧૫ જૂન સુધી શહેરીજનોએ પાણીકાપનો સામનો કરવો પડશે.

ભરૂચમાં આગામી 22 દિવસ સુધી મર્યાદિત પાણી પુરવઠો રહેવાની જાહેરાત બાદ શહેરજનોમાં ચિંતા ફેલાઈ છે. મે-જૂનની આકરી ગરમી વચ્ચે પાણીની અછત રોજિંદા જીવન પર સીધી અસર કરશે. રાંધવા, કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને ઘરગથ્થુ સફાઈ જેવા જરૂરી કાર્યોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ગરમીના દિવસોમાં સામાન્ય રીતે પાણીની જરૂરિયાત વધુ રહેતી હોવાથી આ સમયગાળો નાગરિકો માટે વધુ પડકારજનક બની શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને વધુ તકલીફ સહન કરવી પડી શકે છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સમયપત્રક મુજબ જ પાણી મળવાને કારણે લોકોને સમયસર પાણીનો સંગ્રહ કરવો પડશે નહીં તો દિવસભર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નગરપાલિકાએ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને બગાડ ટાળવા અપીલ કરી છે. જો યોગ્ય આયોજન નહીં કરવામાં આવે તો પાણી સંકટ વધુ ગંભીર બની શકે છે અને સામાન્ય જનજીવન પર તેની મોટી અસર પડી શકે છે. હાલથી જ શહેરમાં પાણીની તંગીને લઈને ચિંતા જોવા મળી રહી છે અને આગામી 22 દિવસ ભરૂચવાસીઓ માટે કસોટી સમાન સાબિત થઈ શકે છે.

ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન માતરિયા તળાવના સંચિત પાણી તેમજ ટ્યુબવેલના પાણી મારફતે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં સમયબદ્ધ પાણી વિતરણ કરવામાં આવશે. ૧૫ જૂન બાદ કેનાલમાં પાણી છોડાતા જ પુરવઠો પૂર્વવત થઈ જશે.

પરંતુ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે પૂર્વ તૈયારી રાખવા અને પાણીનો બગાડ નહીં કરવા પાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે, જેમાં જાહેર કરેલા સમયપત્રક મુજબ પાણીનો વહેલો અને પૂરતો સંગ્રહ કરી લેવો, શાકભાજી ધોવામાં કે RO ફિલ્ટર માંથી નીકળતા વેસ્ટ પાણીનો ઉપયોગ પોતું મારવા, ફ્લશિંગ કરવા કે છોડવાઓમાં નાખવા માટે કરો, બ્રશ કે સેવિંગ કરતી વખતે નળ ચાલુ ન રાખવો, આ દિવસો દરમ્યાન વાહનો ધોવા કે આંગણામાં પાણી છાંટવાનું બિલકુલ ટાળો જેવા અનુરોધ કર્યો છે. પાણીનો બગાડ કર્યા વિના જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરે જેથી તમામ વિસ્તારોમાં છેવાડાના ઘર સુધી સુચારૂ રીતે પાણી પહોંચાડી શકાય.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!