ભરૂચ,
ભરૂચ જિલ્લામાં નવા કલેક્ટર તરીકે ડો. નવનાથ ઘવાણેએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળતા જિલ્લા વહીવટીતંત્રમાં નવા ઉત્સાહ અને નવી અપેક્ષાઓનો માહોલ સર્જાયો છે. જિલ્લા સેવા, પારદર્શક વહીવટ અને લોકોના પ્રશ્નોના ઝડપી નિવારણને પ્રાથમિકતા આપતા ડો. ઘવાણેએ પોતાના કાર્યકાળની શરૂઆત કરી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
ડો. નવનાથ ઘવાણે અગાઉ વિવિધ વહીવટી પદો પર સફળ કામગીરી બજાવી ચૂક્યા છે અને તેમની કાર્યશૈલી લોકો કેન્દ્રિત માનવામાં આવે છે. ભરૂચ જિલ્લાના વિકાસ કાર્યો, ઔદ્યોગિક પ્રગતિ, ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓને વધુ ગતિ આપવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે ડો. ઘવાણેએ જણાવ્યું હતું કે, સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવો તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. સાથે સાથે સામાન્ય નાગરિકોની સમસ્યાઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ લાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય રહેશે.
બીજી તરફ, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે GEDA ના ચેરમેન પદે ડો. ગૌરાંગ મકવાણાની નિમણૂક થતાં રાજ્યભરમાં શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. ઊર્જા અને પર્યાવરણ ક્ષેત્રે લાંબા સમયથી કાર્યરત ડો. ગૌરાંગ મકવાણા હવે GEDA ને નવી દિશા અને નવી ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
ડો. ગૌરાંગ મકવાણા વિવિધ સામાજિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાત સરકારની યોજનાઓને વધુ અસરકારક બનાવવા તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી ચર્ચા ચાલી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ બંને મહત્વપૂર્ણ નિમણૂકોને વિકાસલક્ષી અને વહીવટી દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં નવા કલેક્ટર તરીકે ડો. નવનાથ ઘવાણેની એન્ટ્રી અને GEDA ના ચેરમેન તરીકે ડો. ગૌરાંગ મકવાણાની નિમણૂકને લઈને લોકોમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)





