રાજપીપલા,
– ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા,સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની પ્રતિક્રિયા સામે આવી
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની જુનારાજ પદયાત્રા કર્યા બાદ જુનારાજ રસ્તાનું રજકારણ ગરમાયું છે જેમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના નિવેદન બાદ ભાજપાના બે દિગ્ગજ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની પ્રતિક્રિયા સામે આવતા ભરૂચ નર્મદા જિલ્લા નું રાજકારણ ગરમાયું છે.
આ અંગે સાંસદ મનસુખ વસાવા પ્રેસ કોન્ફ્રાન્સ બોલાવી હતી. ચૈતર વસાવાની પદયાત્રા બાબતે સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે નાટક કરે છે અને લોકો ને ગેર માર્ગે દોરી રહ્યા છે. સાંસદ મનસુખ વસાવા એ સીધો આક્ષેપ નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર લગાડ્યો હતો.સાંસદે કહ્યું કે દર્શનાબેન દેશમુખ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ને સપોર્ટ કરે છે. ભાજપ ના જ નેતાઓ ચૈતર ને સપોર્ટ કરી રહ્યા છે. પેહલા ઘનશ્યામ પટેલ, દુધધારા ડેરીના ડિરેક્ટર પ્રકાશ દેસાઈ અને ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ ચૈતરને ભાજપમાં લાવવાના પ્રયત્નો કર્યા અને હવે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ હવે ચૈતરને ભાજપમાં લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે તો જુનારાજના રસ્તા બાબતે સાંસદે કહ્યું કે દિવાળી પછી રસ્તાનું કામ ચાલુ થવાનું જ છે જે ચૈતર વસાવા ને પણ ખબર છે. ભાજપના તાલુકા પંચાયત કલ્પેશ વસાવા એ સાંસદ ને રજુઆત કરી છે તે બબાતે સાંસદે કહ્યું કે કલ્પેશ વસાવા પણ ડૉ.દર્શનાબેન દેશમુખનો જ માણસ છે. ચૈતર વસાવાને આટલા વર્ષોથી જુનારાજ યાદ ન આવ્યું. સાંસદે વધુમાં કહ્યું કે વર્ષો બાદ મામા નું ઘર યાદ આવ્યું. આ રસ્તો ફોરેસ્ટ વિભાગના કાર્યક્રમ થકી સરકાર માંથી ગ્રાન્ટ મંજુર કરાવી ત્યાં નાળાનું કામ ચાલુ થઈ ગયું હતું પણ આદિવાસી સમાજના જ આરટીઆઈએક્ટિવિસ્ટના કારણે કામ બંધ થયું છે. હાલ તો મંજૂરી મળી ગઈ છે અને દિવાળી પછી કામ ચાલુ કરી દેવામાં આવશે. સામે નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે સાંસદના આક્ષેપો નકારતા પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આપ પાર્ટીના લોકો જ આરટીઆઈ કરે છે અને પછી પાછી ખેંચી લે છે. ધારાસભ્ય એ પદયાત્રા કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સંવિધાનીક પદ પર રહેલા ધારાસભ્ય ને ફોરેસ્ટ વિભાગના નિયમો પણ ખબર છે પણ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવી પદયાત્રા કરવામાં આવી છે. નાંદોદના ધારાસભ્યએ વધુ માં કહ્યું કે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને ભરમાવા માટે આવા નાટકો કરે છે. આપ ના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે.મને પણ ખબર છે કે આપ ના જિલ્લા પ્રમુખએ સરકારી જમીન પચાવી પાડી છે જેનો કેસ કોર્ટમાં ચાલે છે મારું મોઢું ના ખોલાવશો. હું એમને કહેવા માગું છું કે મારા વિસ્તારની શાંતિ દોહડવાનું કામ કરશો નહિ.ધારાસભ્ય ચૈતર વસાવા નું નામ લીધા વગર દર્શનાબેનએ સીધો આક્ષેપ કર્યો હતો. સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવા ને સપોર્ટ કરે છે જે બાબતે દર્શનાબેન એ કહ્યું કે એ બાબતે મારે કાઈ ખુલાસો આપવાનો નથી. આમ દર્શના બેન દેશમુખ પણ હવે ચૈતર વવસાવા સામે મેદાનમાં આવી જતા નર્મદાનું રાજકારણ ગરમાયું હતું.




