વાગરાની જુમ્મા મસ્જિદથી ડેપો સર્કલ સુધીના માર્ગના ખાડાઓનું નવયુવાનોએ કર્યું સમારકામ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

વાગરા, ભરૂચ,

વાગરા નગરના જુમ્મા મસ્જિદથી લઈ ડેપો સર્કલ સુધીના મુખ્ય માર્ગ પરની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આખરે ગામના જ ઉત્સાહી નવયુવાનોએ લાવ્યું છે. આ યુવાનોએ કોઈની રાહ જોયા વિના સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પોતાના ખર્ચે અને પ્રયાસોથી માર્ગ પરના ખાડાઓનું સમારકામ પૂર્ણ કર્યું છે. આ મુખ્ય માર્ગ ઉપર આવેલ ગટરના ઢાંકણા બેસી જવાથી મોટા ખાડા પડી ગયા હતા. આ ખાડાઓમાં પાણી ભરાતું હોવાથી માત્ર વાહનચાલકો જ નહીં પણ રાહદારીઓને પણ ભારે અગવડતા પડી રહી હતી. સૌથી મોટી સમસ્યા એ હતી કે નજીકમાં જ જુમ્મા મસ્જિદ આવેલી છે. નમાઝ પઢવા આવતા શ્રદ્ધાળુઓ જ્યારે માર્ગ પરથી પસાર થતા વાહનોને કારણે ગંદા પાણીના છાંટા ઉડતા ત્યારે ખૂબ પરેશાની થતી હતી.શ્રદ્ધાળુઓની આ મુશ્કેલીને યુવાનોએ ગંભીરતાથી ધ્યાને લીધી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામના જાગૃત નવયુવાનોએ સ્વયં બીડું ઉપાડ્યું અને તેમણે જરૂરી સિમેન્ટ અને રેતી સહિતનો માલસામાન ભેગો કરીને જાતે જ ખાડાઓમાં પુરાણ કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. યુવાનોની આ સામૂહિક અને પ્રશંસનીય મહેનતના કારણે હવે માર્ગ સંપૂર્ણપણે સમતળ બની જશે. યુવાનોની આ સકારાત્મક અને પ્રેરણાદાયક કામગીરીની સમગ્ર પંથકમાં જોરદાર પ્રશંસા થઈ રહી છે, તેમના આ પગલાથી માત્ર માર્ગની અવરજવર જ સરળ નથી બની પરંતુ શ્રદ્ધાળુઓને પણ ગંદા પાણીના છાંટાના ત્રાસ માંથી મુક્તિ મળી છે. યુવાનોએ સાબિત કરી દીધું છે કે સામુદાયિક પ્રયત્નોથી મોટામાં મોટી સમસ્યાનું નિરાકરણ શક્ય છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!