ભરૂચ,
ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજરોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બીનખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એન.ઓ.સી. તથા આજુબાજુનાં રહીશોની સંમતિ કે એન.ઓ.સી. લીધા સિવાય રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનને બિલકુલ લગોલગ ઇન્ડસ ટાવર લીમીટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને ૪૦૦ ચો.ફુટ જગ્યામાં 30 મીટર ઉંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ટાવરના રેડીએશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે. સાથે જ રેડીએશનના કારણે ગંભીર પ્રકારની બિમારી રહીશોને ભવિષ્યમાં થશે તેની દહેશત વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તંત્ર આ કામગીરી બંધ કરાવે એવી માંગ કરવામાં આવી છે.
ગામના આગેવાન સરફરાઝ ભાઈ એ આ બાબતે જણાવ્યું હતું કે “આજે અમારા ગામ શેરપુરામાં એક ગંભીર સમસ્યા ઉભી થઈ છે. સર્વે નં. 124/3 માં મોબાઇલ ટાવર બાંધવામાં આવી રહ્યું છે. આ ટાવર અમારાં ઘરોની ફક્ત 5 મીટર અને આંગણવાડીની ફક્ત 15 મીટર અંતરે છે.
ગ્રામ પંચાયતે સ્પષ્ટ પત્ર આપ્યો છે કે આ ટાવર માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી, છતાં કંપનીએ બાંધકામ શરૂ કરી દીધું છે.
આટલી નજીક ટાવર થવાથી નાના બાળકો, વડીલો અને રહેવાસીઓના આરોગ્યને ગંભીર જોખમ છે. દૂરસંચાર વિભાગ (DoT) ની ગાઈડલાઈન મુજબ રહેણાંક મકાન અને શાળા/આંગણવાડીથી ઓછામાં ઓછું 20 મીટર અંતર ફરજિયાત છે.
અમારી માગ છે કે આ ટાવરનું બાંધકામ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને ટાવરનું સ્થળ રહેણાંક વિસ્તારમાંથી દૂર, સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે.
આ મામલો માત્ર અમારા ગામનો નથી, પરંતુ દરેક ગામ અને શહેર માટે છે જ્યાં લોકોના આરોગ્ય સામે કંપનીઓ ફક્ત નફો જોવે છે. અમે સરકાર અને અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે બાળકો અને ગામજનોની સુરક્ષા માટે તાત્કાલિક પગલા લેવાય.”






