ભરૂચ,
– બપોરના બે સુધીમાં નેત્રંગમાં ૨ ઈંચ તો ઝઘડિયામાં દોઢ ઈંચ વરસાદ
ભરૂચમાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે દિવસ દરમ્યાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર દિવસ દરમ્યાન અવારનવાર મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો.
ભરૂચ શહેર જિલ્લામાં અઠવાડિયા બાદ હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે પુનઃ વાતાવરણમાં પલટો આવતા વાદળ છાયા વાતાવરણ સાથે રાત્રિથી વરસાદી માહોલની જમાવટ થઈ હતી. ભરૂચમાં સમગ્ર દિવસ દરમ્યાન ક્યારેક ધીમીધારે તો ક્યારે મુશળધાર વરસાદ વરસતો રહ્યો હતું.જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અકળાવનારી ગરમી બાદ વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ૪ સપ્ટેમ્બરના સવારના ૬ કલાકથી બપોરના ૨ કલાક સુધીમાં નેત્રંગમાં સૌથી વધુ ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો તો ઝઘડિયામાં દોઢ ઈંચ, અંકલેશ્વરમાં ૨૮ મી.મી વરસાદ વરસ્યો હતો.અન્ય તાલુકામાં વરસેલા વરસાદની વિગતો જોતા ભરૂચમાં ૧૩ મી.મી, આમોદમાં ૧ મી.મી, જંબુસરમાં ૧૨ મી.મી, વાગરામાં ૬ મી.મી, હાંસોટમાં ૮ મી.મી અને વાલિયામાં ૧૯ મી.મી વરસાદ નોંધાયો હતો. લાંબા સમયના વિરામ બાદ પુનઃ વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.





